જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં ખાતું ખોલાવ્યું છે, પરંતુ તમે ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા જમા કરાવી શક્યા નથી, તો એકાઉન્ટને સક્રિય કરવા માટે જલ્દી પૈસા જમા કરો. વાસ્તવમાં, જો PPF, SSY અને NPSમાં પૈસા જમા નહીં થાય તો આ એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે. તેથી, ઘણી કર બચત યોજનાઓમાં રોકાણકારે ખાતું સક્રિય રહે તે સુનિશ્ચિત કરવા માટે દર નાણાકીય વર્ષમાં ન્યૂનતમ ડિપોઝિટ કરવી જરૂરી છે. તમે આ યોજનાઓમાં 31 માર્ચ, 2022 ના રોજ અથવા તે પહેલાં નાણાં મૂકી દો.
તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2021-22 થી, વ્યક્તિ જૂની/હાલની ટેક્સ સિસ્ટમને પસંદ કરી શકે છે અને વર્તમાન ટેક્સ છૂટ અને કપાતનો લાભ લઈ શકે છે અથવા નવી, કન્સેશનલ ઇન્કમ ટેક્સ સિસ્ટમ પસંદ કરી અને મોટાભાગની કરમુક્તિ અને કપાતને છોડી શકે છે. જો તમે નવી કર વ્યવસ્થા પસંદ કરો છો, તો પણ એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તમે ખાતાને સક્રિય રાખવા માટે જરૂરી ન્યૂનતમ યોગદાન જમા કરાવ્યું છે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)
ટિયર-I NPS ખાતાધારકોએ વર્તમાન નિયમો મુજબ એકાઉન્ટને સક્રિય રાખવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 1,000 જમા કરાવવા જરૂરી છે. જો NPS ટિયર-1 ખાતામાં લઘુત્તમ યોગદાન આપવામાં ન આવે, તો ખાતું નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય NPS એકાઉન્ટને પુનર્જીવિત કરવા માટે, તમારે ઓછામાં ઓછા યોગદાન સાથે દર વર્ષે 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. NPS એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (POP) ચાર્જ પણ ઉમેરવામાં આવશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
નાણાકીય વર્ષમાં PPF ખાતા માટે લઘુત્તમ વાર્ષિક યોગદાન રૂ. 500 છે અને વર્તમાન નાણાકીય વર્ષ માટે નાણાં જમા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં પૈસા જમા કરાવવામાં નિષ્ફળ થશો, તો તમારે દર વર્ષે 500 રૂપિયાના બાકી સબ્સ્ક્રિપ્શનની સાથે લઘુત્તમ યોગદાન આપવામાં નિષ્ફળ રહેવા માટે 50 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. ઉપરાંત, જો નાણાકીય વર્ષમાં લઘુત્તમ યોગદાન આપવામાં નહીં આવે, તો PPF ખાતું બંધ કરવામાં આવશે. બંધ થયેલ પીપીએફ ખાતું જ્યાં સુધી એકાઉન્ટ પુનઃજીવિત ન થાય ત્યાં સુધી લોન મેળવવા અથવા આંશિક ઉપાડની સુવિધા માટે હકદાર રહેશે નહીં. બંધ ખાતાને તેની મૂળ પાકતી તારીખની સમાપ્તિ પહેલા પુનઃજીવિત કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને સક્રિય રાખવા માટે, નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો કોઈપણ નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણ કરવામાં ન આવે, તો તેને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે. SSY ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં ડિફોલ્ટ એકાઉન્ટને નિયમિત કરી શકાય છે. એકાઉન્ટને નિયમિત કરવા માટે, તમારે દરેક ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાની પેનલ્ટી સાથે ઓછામાં ઓછું 250 રૂપિયાનું યોગદાન આપવું પડશે.