મોદી સરકારનું મોટું એલાન: લોટ અને દાળ બાદ હવે સસ્તા ભાવે ચોખા

મોદી સરકારનું મોટું એલાન: લોટ અને દાળ બાદ હવે સસ્તા ભાવે ચોખા

કેન્દ્રની મોદી સરકારે સસ્તો લોટ અને દાળ બાદ હવે વ્યાજબી ભાવે ચોખાનું પણ વેચાણ કરશે. આ ચોખા લોટ અને ચણા દાળની માફક ભારત ચાવલ નામથી વેચવામાં આવશે. સરકારે ચોખાની વધતી કિંમતને કાબુમાં રાખવા માટે આ મહત્વનું પગલું ઉઠાવ્યું છે. સાથે જ સરકારે ચોખા વેપારીઓને દર શુક્રવારે ચોખાના સ્ટોકનો ખુલાસો કરવા માટે નિર્દેશ આપ્યા છે.

ભારત ચાવલનું વેચાણ આગામી અઠવાડીયાથી શરુ થઈ જશે. સરકાર પહેલાથી જ ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભારત ચણા દાળ 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવથી વેચી રહી છે.

કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું છે કે, વિવિધ જાતના ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાની છુટક તથા જથ્થાબંધ કિંમતોમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલા માટે ચોખાની કિંમતને કાબુમાં રાખવા માટે સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈંડિયા અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈંડિયા લિમિટેડના માધ્યમથી છુટક બજારમાં ભારત ચાવલ વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળશે. નેફેડ અને NCCFની સાથે વ્યાજબી ભાવવાળા આ ચોખા કેન્દ્રીય ભંડારના રિટેલ સેન્ટર્સ સાથે ઈ કોમર્સ પ્લેટફોર્મ પણ મળશે.

5 તથા 10 કિલોના પેકમાં મળશે સસ્તા ચોખા
ખાદ્ય સચિવ ચોપડાએ કહ્યું કે, ભારત ચાવલ આગામી અઠવાડીયે વેચાવા લાગશે. તેને 5 કિલો અને 10 કિલોના પેકમાં વેચાશે. પહેલા તબક્કામાં સરકારે છુટક બજારમાં વેચાણ માટે 5 લાખ ટન ચોખા ફાળવ્યા છે. ચાવલ નિર્માતા પર રોક હટાવવાને લઈને ચોપડાએ કહ્યું કે, સરકારની ચાવલ નિર્યાત પર પ્રતિબંધ હાલમાં હટાવવાનો કોઈ પ્લાન નથી. કિંમતો નીચે ન જાય ત્યાં સુધી પ્રતિબંધો લાગૂ રહેશે.

વેપારીઓએ સ્ટોકનો ખુલાસો કરવો પડશે
સરકારે ચોખાની કિંમતોને કાબુમાં કરવા માટે વધું એક પગલું ઉઠાવ્યું છે. ચોપડાએ કહ્યું કે, મંત્રાલયે આદેશ જાહેર કર્યા છે કે છુટક, જથ્થાબંધ વેપારી અને પ્રોસેસરોને દર શુક્રવારે પોતાના પોર્ટલ પર ચોખાનો સ્ટોક જાહેર કરવા માટે આદેશ આપ્યા છે.