ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની 14 મી સીઝન શરૂ થવાના થોડા દિવસો પહેલા જ 3 વખતની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈ તરફથી રમનારા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે આ વર્ષની આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
હેઝલવુડ બાયો-બબલ (Bio-Bubble) માં રહેવા માંગતો નથી.
હેઝલવુડે આ વર્ષે આઈપીએલમાંથી ખસી જવા પાછળનું કારણ જણાવ્યું છે કે તે આ વર્ષે યોજાનારી એશિઝ અને ટી 20 વર્લ્ડ કપ માટે પોતાને ફ્રેશ રાખવા માંગે છે. ઓસ્ટ્રેલિયન બોલરે કહ્યું કે તે બાયો-બબલથી દૂર પોતાના પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગે છે. હેઝલવુડે Cricket.Com ને જણાવ્યું હતું કે 'આ મુશ્કેલ સમયમાં 10 મહિનાનો બબલ અને કોરનટાઈન થઈ ચુક્યો છે. તેથી હવે મેં ક્રિકેટમાંથી થોડા દિવસો માટે વિરામ લેવાનો નિર્ણય કર્યો છે અને હું આગામી બે મહિના ઓસ્ટ્રેલિયામાં મારા ઘરે રહેવાનો છું.
માર્શ પણ બાયો બબલ (Bio-Bubble) માં રહેવા માંગતો નથી.
જોશ હેઝલવુડ પહેલા, ઓસ્ટ્રેલિયન સ્ટાર મિશેલ માર્શ પણ બાયો બબલના અભાવને કારણે આ વર્ષની આઇપીએલમાંથી પોતાનું નામ કમી કરી ચુક્યો છે. Cricbuzz ના જણાવ્યા અનુસાર, મિચેલ માર્શ પણ આ વર્ષે આઈપીએલમાં ભાગ ન લેવાનું કારણ જણાવતા તેણે કહ્યું છે કે તે લાંબા સમય સુધી બાયો બબલમાં રહી શકતો નથી. આમ, આ આઈપીએલ (IPL 14) ઓસ્ટ્રેલીયાના બે સ્ટાર ખેલાડીઓ રમશે નહી.
બાયો બબલ (Bio-Bubble) શું છે?
કોરોના વાયરસ રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખીને ટીમના તમામ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓ માટે એક વિશેષ ક્ષેત્ર તૈયાર કરવામાં આવ્યો છે, તેને 'બાયો બબલ' (Bio-Bubble) કહેવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈ બહારના વ્યક્તિનો સંપર્ક નથી.