દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI) એ એકાઉન્ટ્સ અને એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમો 1 જુલાઈ 2021 થી અમલમાં આવશે. ગ્રાહકને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે આ નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે એસબીઆઇ (SBI) એ કહ્યું છે કે નાણાંકીય વ્યવહાર માટે બેંકની શાખા, ચેનલ, એટીએમ અથવા સીડીએમની સેવાનો લાભ લઈ શકાય છે. મૂળભૂત બચત થાપણ (Basic Savings Bank Deposit - BSBD) માટે એસબીઆઈ (SBI) અને અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ફ્રી છે.
એસબીઆઇ (SBI) એ કહ્યું છે કે તેની શાખાઓ અથવા એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે 1 જુલાઇથી લાગુ થશે. બેંક દ્વારા ચેક બુક ચાર્જ, પૈસા ટ્રાન્સફર અને નાણાંકીય વ્યવહારોના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો મૂળભૂત બચત બેંક ડિપોઝિટ અથવા BSBD પર લાગુ થશે. બીએસબીડી એટલે એવા ખાતા જે બેંકની દરેક શાખામાં સંચાલિત થાય છે અને તેમાં લઘુત્તમ અને મહત્તમ બેલેન્સની કોઈ મર્યાદા હોતી નથી. એટલે કે, આ ખાતામાં દર મહિને ઓછામાં ઓછી રકમ જાળવવાની કોઈ જવાબદારી નથી. બીએસબીડી ખાતા ધારકોને મૂળભૂત રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે.
નવો નિયમ શું છે?
નવા નિયમ મુજબ, જો તમે નાણાંકીય વ્યવહાર કરો છો, તો આ માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. જો તમે એક મહિનામાં 4 વાર રોકડ ઉપાડની સુવિધા મેળવી લીધી છે, તો ત્યાર બાદ તમારે બેંક શાખા અથવા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે 15 રૂપિયા સાથે જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. ચાર નાણાંકીય વ્યવહાર પછી દરેક ઉપાડ પર તમારે આટલો ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ દ્વારા નાણાકીય વર્ષમાં દરેક ગ્રાહકને 10 પાનાની ચેક બુક વિના મૂલ્યે આપવામાં આવશે. આ સુવિધા મૂળભૂત ખાતાધારકો માટે પણ લાગુ થશે.
10 પાનાની ચેક બુક પૂરી થયા પછી, જો ગ્રાહક તેને અલગથી લેવા માંગે છે, તો 40 રૂપિયા ચાર્જ સાથે જીએસટી ચાર્જ ભરીને, તમે 25 પાનાની ચેકબુક મેળવી શકો છો. આ કિંમત ચાર્જ લગભગ 75 રૂપિયા આસપાસ આવશે. જો કોઈ ગ્રાહક ઇમરજન્સી ચેક બુક માંગે છે, તો તેને જીએસટી ઉપરાંત 50 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે ચેક બુક લેવા માટે વધારાના પૈસા ન ચૂકવવાની માટે છૂટ આપવામાં આવી છે.
મૂળભૂત બચત ખાતું શું છે?
એસબીઆઈ (SBI) બીએસબીડી (Basic Savings Bank Deposit - BSBD) ખાતાને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો પણ અથવા તો ખાતું ખાલી હોય તો પણ દંડ લાગતો નથી. આ ખાતું સમાજના ગરીબ વર્ગ અથવા ખાસ કરીને જેઓ બેંકિંગ સેવાઓથી વંચિત છે તેમના માટે શરૂ કરવામાં આવ્યું છે. લોકોને બેંક ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત કરવા બીએસબીડી ખાતું શરૂ કરાયું છે. આમાં ખાતામાં તમે ખૂબ ઓછા બજેટથી પણ પૈસા બચાવી શકો છો.
તમે કોઈપણ શુલ્ક ચૂકવ્યા વિના રોકડ ઉપાડનો લાભ લઈ શકો છો. આ ખાતામાં એટલું જ વ્યાજ મળે છે જેટલું નિયમિત ખાતા પર મળે છે. જો આ એકાઉન્ટ પહેલેથી જ નિષ્ક્રિય છે, તો તેને શરૂ કરવા માટે પણ કોઈ અલગ ફી નથી. જો તમારે ખાતું બંધ કરવું હોય તો તેના માટે પણ કોઈ શુલ્ક લેવામાં આવતો નથી.