IPL (Indian Premier League) 2021 માં કોરોના વાયરસ દાખલ થયો છે, ત્યારબાદ હવે ટૂર્નામેન્ટ રદ થવાનો ભય છે. સોમવારે એટલે કે આજે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ના ક્રિકેટર વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના કારણે સોમવારે સાંજે રમાનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore -RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders -KKR) વચ્ચેની મેચ તાત્કાલિક મુલતવી રાખવામાં આવી છે.
બાયો બબલમાં મોટી બેદરકારી :- લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તી અને ઝડપી બોલર સંદીપ વોરિયરને હાલ ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે. તે બંનેની ઉંમર 30 વર્ષ છે. આ બન્નેમાંથી વોરિયરને હાલની સીઝનમાં કેકેઆર (KKR) ની સાત મેચમાંથી એક પણ રમવાનો મોકો મળ્યો નથી. કેકેઆર (KKR) એ છેલ્લી મેચ 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals -DC) સામે અમદાવાદમાં રમી હતી અને કોરોના વાયરસના સકારાત્મક પરિણામો આવ્યા બાદ ટૂર્નામેન્ટમાં ગભરાટની સ્થિતિ આવી શકે છે.
વરૂણ ચક્રવર્તીની મોટી ભૂલ :- ગુરુવારની મેચ બાદ વરૂણ ચક્રવર્તી શોલ્ડર સ્કેન માટે હોસ્પિટલમાં ગયા હતા અને તે પછી કોરોના વાયરસ માટે તે પોઝીટીવ જોવા મળ્યા હતા. કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફ ટૂર્નામેન્ટની મધ્યમાં કોરોના પોઝીટીવ જોવા મળ્યો હોવાનો આ પહેલો કેસ છે. ભારતમાં દરરોજ કોવિડ -19 વાયરસના ત્રણ લાખથી પણ વધુ નવા કેસો બહાર આવી રહ્યા છે જ્યારે દરરોજ ત્રણ હજારથી વધુ લોકો મરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં, આ નાની ભૂલ ટૂર્નામેન્ટને રદ કરી શકે છે.
દિલ્હીના ખેલાડીઓ પણ કોરોના પરીક્ષણ થશે :- એક સૂત્રના જણાવ્યા અનુસાર, હવે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓની પણ કોરોના ટેસ્ટ થશે અને ચક્રવર્તી અને વોરિયરના સંપર્કમાં આવતા દરેક ખેલાડીની એપ્લિકેશન દ્વારા ઓળખ કરવામાં આવશે. જોકે કેકેઆર (KKR) ટીમના અન્ય સભ્યો નકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ બંનેના બીજા આરટી-પીસીઆર રિપોર્ટનું પરિણામ સાંજ પહેલા નહીં આવે, તેથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચેની મેચ રદ રાખવામાં આવી છે.
બેંગ્લોરની ટીમે ટ્વિટર પર લખ્યું, "કેકેઆર અને આરસીબી વચ્ચે આજે રમાનારી મેચને બીસીસીઆઈ દ્વારા ફરીથી ગોઠવવામાં આવી છે. વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોવિડ -19 રિપોર્ટ સકારાત્મક આવ્યા પછી, આઇપીએલ સલામતીની માર્ગદર્શિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે વરૂણ અને સંદીપ વહેલા સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ."
બેંગ્લોરે આ સિઝનમાં અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે અને 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. જોકે, ટીમે છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચ હારી છે. છેલ્લી મેચમાં તેનો પંજાબ કિંગ્સ સામે 34 રને પરાજય થયો હતો. બીજી તરફ, કોલકાતાએ અત્યાર સુધીમાં સાતમાંથી ફક્ત બે મેચ જીતી છે. આ સીઝનમાં, જ્યારે આ બંને ટીમો એકબીજા સાથે ટકરાઈ હતી, ત્યારે વિરાટ કોહલીની બેંગ્લોર ટીમે 38 રનથી આ મેચ જીતી હતી.