હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે વાલીઓની ચિંતા કરવી પણ વ્યર્થ નથી કારણકે હાલ રાજ્યમાં બાળકો અને શિક્ષકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.
છોટા ઉદેપુરની શાળામાં ૧૨ બાળકો કોરોના પોઝિટિવ : છોટા ઉદેપુરની ચિચોડ આશ્રમશાળામાં બાળકો અને શિક્ષકોનો કોરોના રેપીડ ટેસ્ટ કરાયો હતો. જેમાં એકસાથે ૧૨ બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં. હાલ આ ૧૨ બાળકોને છોટા ઉદેપુર કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. એકસાથે ૧૨ બાળકોને કોરોના પોઝિટિવ આવતાં વાલીઓ અને શિક્ષકોમાં ખળભળાટ મચી ગયો જેથી ૭ દિવસ માટે આશ્રમશાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો.
નવસારીની શાળામાં કોરોનાનો દબદબો : નવસારીની કનવેન્ટ સ્કૂલના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૦ થી વધુ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યાં. જેથી શાળામાં ખળભળાટ મચી ગયો અને શાળાના સંપૂર્ણપણે સેનેટાઈઝ કરવાની સૂચના અપાઈ.
સુરત સીટી બસને બનાવી કોરોના ટેસ્ટિંગ બસ : સુરતના અઠવા ઝોનમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સુરતની સીટી બસને કોરોના ટેસ્ટિંગ બસ બનાવવામાં આવી. જેમાં અઠવા ઝોનમાં આવેલી દુકાનો ખુલતાં જ દુકાનદારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
અરવલ્લીના મેઘરજની શાળાઓમાં પણ કોરોનાની એન્ટ્રી : મેઘરજ તાલુકાના કસાણાની શબરી કન્યા વિદ્યાલયના ૩ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા. આ ઉપરાંત વડથલીની વિશ્વ વત્સલ સ્કૂલમાં પણ એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા.
પંચમહાલની શાળાઓમાં કોરોનાનો રાફડો ફાટ્યો : પંચમહાલમાં કુલ ૧૮ શિક્ષકો કોરોના સંક્રમિત થયાં. જેમાં ઘોઘમ્બા અને કાલોલમાં ૭ શિક્ષકો તેમજ ખરખડીની મુવાડી શાળાના શિક્ષક કોરોના સંક્રમિત થયાં. આ ઉપરાંત પિંગળી, મોટી શામળ દેવી અને ડેરોલ સ્ટેશન શાળામાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું.