khissu

શિક્ષણમંત્રીએ ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમ માં ઘટાડો કર્યો | વિદ્યાર્થીઓ માટે રાહત ના સમાચાર

હાલમાં કોરોના કાળમાં સ્કૂલો અને કોલેજો બંધ છે તેવામાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન ભણી રહ્યા છે. તેથી વિદ્યાર્થીઓ પર શિક્ષણનો ભાર વધી રહ્યો છે અને તમામ કોર્સ પૂર્ણ કરવો અશક્ય છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ થી ૧૨ મા કોર્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદો એ આવકાર્યો છે.

કોરોના કહેરમાં સ્કૂલ બંધ છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર ન પડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લેતા શિક્ષણ મંત્રીએ ધોરણ ૯ થી ૧૨ માં ૩૦% અભ્યાસક્રમ ઘટાડવાની જાહેરાત કરી છે. આ અંગે શિક્ષણમંત્રીએ ચાર વાર શિક્ષણવિદો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાની હતી તે હવે મે મહિનામાં લેવાશે અને ધોરણ ૯ અને ૧૧ ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. જોકે સીબીએસસી અને અન્ય બોર્ડ દ્વારા પરીક્ષા વિશે કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ ગુજરાત બોર્ડના આ નિર્ણયથી અન્ય બોર્ડ પણ વિચારણા કરી શકે છે.

બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયને શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે પરંતુ વાલીઓ હજુ પણ અભ્યાસક્રમ પૂર્ણ થશે કે નહીં તે મુદ્દે ચિંતિત છે તેમજ અમુક વિદ્યાર્થીઓનું માનવું છે કે આગામી ૨૦૨૨માં ધોરણ ૧૦ અને ૧૨ માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીના અભ્યાસ પર તેની અસર પડી શકે છે. જોકે બોર્ડ દ્વારા લેવાનાર નિર્ણયથી વિદ્યાર્થીઓને વાંચન માટે પૂરતો સમય મળી રહેશે.