લ્યો બોલો ! આજે પણ દેશના 25 હજાર ગામડાઓમાં મોબાઈલ સેવા જ નથી

લ્યો બોલો ! આજે પણ દેશના 25 હજાર ગામડાઓમાં મોબાઈલ સેવા જ નથી

આજે પણ દેશના 25 હજારથી વધુ ગામડાઓ મોબાઈલ સેવાથી જોડાઈ શક્યા નથી. ઓડિશા અને મધ્યપ્રદેશના મોટાભાગના ગામો મોબાઈલ કનેક્ટિવિટીથી અજાણ છે.  બુધવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ વાત સામે આવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના 5,400 ગામો આ સુવિધાથી વંચિત છે. હવે સરકાર ખાસ ઝુંબેશ ચલાવીને આ ગામોને સુવિધા આપવાની તૈયારી કરી રહી છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને રાજસ્થાનના દૌસાના સાંસદ જસકૌર મીનાએ બુધવારે દેશમાં મોબાઈલ સેવાથી વંચિત ગામો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જેના પર કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુ સિંહ ચૌહાણે ડિસેમ્બર 2020 સુધી ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા આપવામાં આવેલા ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે દેશના 5,97,618 વસ્તીવાળા ગામોમાંથી 25,067 ગામડાઓમાં હજુ સુધી મોબાઈલ કનેક્ટિવિટી નથી.

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ માહિતી આપી હતી કે મોબાઈલ સેવા વિનાના 25,067 ગામોમાંથી લગભગ 11,000 ગામોને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકાર અને ટેલિકોમ સેવા પ્રદાતાઓ તબક્કાવાર રીતે દેશના બાકીના ગામડાઓને આવરી લેવાની તૈયારી કરી રહ્યા છે. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં સરકારનો પ્રયાસ તમામ ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી આપવાનો છે.

એમપી, રાજસ્થાન, છત્તીસગઢની સ્થિતિ
રાજસ્થાનમાં કુલ 43264 ગામો છે, જેમાંથી 941 ગામો હજુ પણ મોબાઈલ સેવાથી જોડાયેલા નથી. મધ્યપ્રદેશના 51929માંથી 2612 ગામો અને છત્તીસગઢના 19567 ગામોમાંથી 1847 ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી.