કોરોના હળવો પડ્યો: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના હવે વળતા પાણી થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2502 નવા કેસ નોંધાયા અને 7487 દર્દી રિકવર થયા છે. આમ રાજ્યમાં રિકવરી રેટ 96.23% થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 33,631 છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 28 દર્દીના મોત થયા છે.
તલાટી ભરતી ફોર્મ: ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટી ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એક અઠવાડિયામાં જ રાજ્યોમાંથી 8,50,000 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ત્યાં સુધીમાં વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના છે. જોકે ભરતી માટે માત્ર 3,437 જગ્યાઓ જ બહાર પાડી છે.
કાર ચાલકો માટે મોટા સમાચાર: સીટ બેલ્ટ ઉપર મોદી સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે. જેમાં ડ્રાઈવર સીટ પર બેસનાર અને તેની બાજુમાં બેઠા હોય તેઓએ સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત છે. પરંતુ હવે આગામી દિવસોમાં કારમાં પાછળ બેસનાર લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત થઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ કાર નિર્માતાઓને પાછળની સીટમાં પણ સીટ બેલ્ટ આપવાનું ફરજિયાત કરાશે.
હવામાન વિભાગ આગાહી: ગુજરાતમાં આગામી બે દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. બપોરે ગરમી અને રાત્રે ઠંડીના અનુભવાશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 2 દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના નથી. જોકે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લઈ લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગુજરાત સરકારે હવે ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપ્યો છે. પરમ દિવસે આસિત વોરાએ તેમના પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી તેમનો ચાર્જ એ.કે.રાકેશને આપવામાં આવ્યો છે. પેપર લીક કાંડને લઈને આસિત વોરા સામે ઘણાં ગંભીર સવાલો ઊઠ્યા હતા. તેઓ ઘણા સમયથી વિવાદોમાં હતા. જોકે તેમને રાજીનામું આપ્યાના બીજા દિવસે એ.કે.રાકેશને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.
વધું એક સરકારી ભરતી જાહેરાત: વનરક્ષક વર્ગ-૩ ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.