રાજ્યના 14,000 વીસીઈ હડતાળ ઉપર. ખેડૂતોને ભારે મુશ્કેલી!

રાજ્યના 14,000 વીસીઈ હડતાળ ઉપર. ખેડૂતોને ભારે મુશ્કેલી!

રાજ્ય સરકાર દ્વારા તા.1 ઓક્ટોબરથી ખરિફ સીઝન 2021-2022 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ખરીદી અંતર્ગત મગફળી, ડાંગર, મકાઇ, બાજરીની ખરીદી અંગે રજિસ્ટ્રેશન કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, દરમિયાન તા.1 ઓક્ટોબરે જ રાજ્યના અંદાજે 14 હજાર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વી.સી.ઇ.) કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા પ્રથમ દિવસે જ ઠેર ઠેર ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રજિસ્ટ્રેશન ભલે યાર્ડોમાં પણ થશે તેવી જાહેરાત હતી, પરંતુ તે પ્રક્રિયા માટે પણ 7-12નો ઉતારો, આવકનો દાખલો સહિતના સરકારી કાગળો કઢાવવા અંતર્ગત ગ્રામ સેન્ટરે જ જવું પડતું હોય, તે સેન્ટરો આજે બંધ રહ્યા હોવાથી ધરતીપુત્રોમાં દેકારો મચી ગયો હતો. એક તબક્કે ખેડૂતોમાં એવો પણ રોષ જોવા મળ્યો હતો કે, ગત સાલ પણ આવું થયા બાદ પણ કોઇ સચોટ નિરાકરણ ન નીકળતા સરકાર અને વી.સી.ઇ. વચ્ચેની લડાઇમાં આ વર્ષે ફરી ખેડૂતોને સેન્ડવીચ બનવાનો વારો આવ્યો છે.

ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ, ગુજરાતના મહામંત્રી પંકજભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘‘ અમારા વી.સી.ઇ.ના પ્રશ્નો ઘણા વર્ષોથી લટકી રહ્યા છે. ગત સાલ અમે આ ગાળામાં જ છ દિવસની હડતાલ પાડી હતી ત્યારે તે વખતના ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમને સમજાવી અમારા પ્રશ્નો ઉકેલાઇ જશે, અમારી માગણીઓ કેબિનેટમાં મુકી તેનું નિરાકરણ લવાશે, તેવી ખાતરીઓ આપી અમારી હડતાલ સમેટાવી લીધી હતી, અને અમે કામકાજ કરવા બેસી ગયા હતા. ત્યાર બાદ આજદિન સુધી હજુ અમારા પ્રશ્નો ઉકેલ્યા જ નથી. અમારે નાછૂટકે ફરી હડતાલનો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડ્યું છે. અમે તાજેતરમા 28મી સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો પણ કરી હતી.

રાજ્યના VCE કર્મીઓ દ્વારા વિવિધ માંગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. VCE કર્મીઓની માગ છે કે ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે.