khissu

અધધ... લીંબુના ભાવમાં તોતિંગ વધારો, ભાવ જાણીને દાંત ખાટા થઈ જશે

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવ આસમાને આંબી ગયા છે.  આવી સ્થિતિમાં દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે ફરી એકવાર મોંઘવારી સામાન્ય લોકો પર મોટી અસર કરશે.  લેટેસ્ટ માહિતી મુજબ એક લીંબુની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે.

રાજકોટમાં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.થોડા દિવસો પહેલા ગુજરાતમાં લીંબુ 50-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હતા. એ જ રીતે, કૃષિ વૈજ્ઞાનિકોના મતે, લીંબુને આટલા મોંઘા વેચવા પાછળનું સૌથી મોટું કારણ હવામાન છે. કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરફારને કારણે લીંબુના પાકને અસર થઈ હતી, જેના કારણે ઉત્પાદનને અસર થઈ હતી.  હવે ઉનાળામાં લીંબુની માંગ વધવાને કારણે અછતના કારણે તેના ભાવમાં વધારો થયો છે.

દિલ્હીના આઈએનએ માર્કેટમાં લીંબુની કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે નોઈડાના માર્કેટમાં 80 રૂપિયાની કિંમતના અઢીસો ગ્રામ લીંબુ વેચાઈ રહ્યા છે. ગાઝીપુરના શાક માર્કેટમાં દુકાનદારોને 230 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યા છે, ત્યાર બાદ બજારમાં ગ્રાહકોને 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. જોકે, બજારમાં બે પ્રકારના લીંબુ પણ વેચાઈ રહ્યા છે, પહેલું લીલું લીંબુ જેની કિંમત રૂ. 280 છે અને બીજું પીળું લીંબુ રૂ. 360 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

લીંબુના છે ઘણા ફાયદા: ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લીંબુનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. લીંબુ વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત છે. શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે લીંબુ પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. વિટામીન-સીથી ભરપૂર લીંબુનો રસ પીવાથી હૃદયરોગનું જોખમ અને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટી જાય છે. જો તમારું બ્લડ પ્રેશર ઘણું વધારે હોય તો પણ લીંબુનો રસ તમારા માટે ફાયદાકારક છે. લીંબુના રસમાં લસિકા પ્રક્રિયાને વધારવાનો ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.