આજકાલ છોકરીઓને છેડતી કરવી તથા બળાત્કારના અઢળક કેસ જોવા મળે છે આ બધા પાછળ એકરીતે તો તંત્ર જવાબદાર છે. આવા લોકોને કોઈ સરખી સજા સંભળાવવામાં આવતી નથી અને જો સજા થાય પણ છે તો તે જામીન આપીને છૂટી જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં બોમ્બે હાઇકોર્ટના જજે સ્તન સ્પર્શ કરવાને મામુલી કહેતા આરોપીને નિર્દોષ ઠરાવ્યો.
એટર્ની જનરલે કહ્યું કે, બોમ્બે હાઇકોર્ટનો આ ચુકાદો વિવાદાસ્પદ અને તેનાથી સમાજમાં ખરાબ દાખલો બેસવાની સંભાવના છે. અને આ અંગે સુપ્રિમને વિચારણા કરવાની અપીલ કરી.
જોકે યુથ બાર એસોસિએશન દ્વારા બોમ્બે હાઇકોર્ટના આ વિવાદિત ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે ચીફ જસ્ટિસ એસ એ બોબડે એ કહ્યું કે અમે પોસ્કોની કલમ ૮ ના સંદર્ભમાં બોમ્બે હાઇકોર્ટે આરોપીને છુટકારો આપવાના નિર્ણયને હાલ પૂરતો મનાઈ ફરમાવીએ છીએ. આ ઉપરાંત ચીફ જસ્ટિસ બોબડે એ તેની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની ખંડપીઠ બનાવી જેણે મહારાષ્ટ્ર સરકાર તથા આરોપીને ૨ અઠવાડિયામાં જવાબ આપવાની નોટિસ આપી.
ખરેખર ઘટના શું બની હતી ?
વાત એમ હતી કે, નાગપુરમાં ૩૯ વર્ષીય આધેડે અંધારામાં ૧૨ વર્ષીય સગીરાના સ્તન સ્પર્શ કરી છેડતી કરી હતી. આ સમગ્ર મામલો બોમ્બે હાઇકોર્ટમાં જતા જજે ચુકાદો આપતા જણાવ્યું કે સગીરાના સ્તન નો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ( ચામડીનો સ્પર્શ ) કર્યા વગર જો સ્પર્શ કરે તો તેને જાતીય શોષણ ન ગણી શકાય તેવો વિવાદાસ્પદ નિર્ણય લીધો અને આરોપીને નિર્દોષ જાહેર કરી તેને ફક્ત આઈપીસી સેક્શન ૩૫૪ હેઠળ ૧ વર્ષની સજા ફરમાવી.
જેથી જજના આવા વિવાદાસ્પદ નિર્ણયને કારણે એટર્ની જનરલે સમાજમાં ખરાબ દાખલો બનશે તેમ જણાવી સુપ્રિમને અપીલ કરી હતી જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને પિટિશન ફાઈલ કરવાની મંજૂરી આપી આરોપીના છૂટકારા પર સ્ટે મૂકી દીધો.