RBI નો મહત્વપુર્ણ નિર્ણય: હવે રજાના દિવસે પણ પગાર જમા થશે, RBI નાં ગવર્નરે આપી માહિતી

RBI નો મહત્વપુર્ણ નિર્ણય: હવે રજાના દિવસે પણ પગાર જમા થશે, RBI નાં ગવર્નરે આપી માહિતી

આરબીઆઇ (RBI) નાં ગવર્નર શક્તિકાંત દાસે એક મોટો નિર્ણય લીધો છે. તેને જણાવ્યું હતું કે હવેથી NACH (National Automated Clearing House) સર્વિસ 24 કલાક અને સાતેય દિવસ કામ કરશે. NACH સર્વિસ NPCI દ્વારા ચલાવવામાં આવે છે. જેના દ્વારા બલ્ક પેમેન્ટ કરવામાં આવે છે. પગાર ચૂકવવા, શેરધારકો ને ડિવિડન્ડ ચૂકવવા, વ્યાજ ચૂકવવા, પેન્શન ટ્રાન્સફર કરવા, ઉપરાંત દર મહિને લાઇટ બિલ, ટેલિફોન બિલ, પાણી જેવા બિલો NACH થી ભરવામાં આવે છે. આસાન શબ્દોમાં કહીએ તો NACH એક એવી બેંકિંગ સર્વિસ છે જેના લીધે કંપનીઓ અને સામાન્ય માણસો દર મહિને તેમના દરેક પેમેન્ટ સરળતાથી અને કોઇપણ ટેન્શન વગર પૂરા કરી શકે છે.

આરબીઆઇ નાં ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે NACH ડેબિટ એક લોકપ્રિય  માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આનાથી મોટી સંખ્યામાં લાભાર્થીઓને સરકારી સબસિડી ટ્રાન્સફર કરવામાં મદદ મળી છે. હાલ કોરોના મહામારી ની બીજી લહેર વચ્ચે NACH થી કંપની અને સામાન્ય માણસો બન્નેને મદદ મળશે. 1 ઓગસ્ટ 2021 થી આ સેવા સપ્તાહના બધા દિવસો પર ઉપલબ્ધ રહેશે.

NACH શું છે?
NACH નુ પૂરું નામ નેશનલ ઓટોમેટેડ ક્લીયરીંગ હાઉસ (National Automated Clearing House - NACH) છે. તેને દેશમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (National Payments Corporation of India - NPCI) દ્વારા ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે આના દ્વારા બ્લક પેમેન્ટ કરવામાં આવે છે. બેંકિંગ સેકટર સાથે જોડાયેલા જાણકારો કહે છે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ કરતા NACH ઘણી સારી સિસ્ટમ છે. આ ECS (Electronic Clearing Service) નું એડવાન્સ વર્ઝન છે. કંપનીઓ NACH નો ઉપયોગ ડિવિડન્ડ ચૂકવવા, પગાર ચૂકવવા, પેન્શન માટે કરે છે. જ્યારે સામાન્ય લોકો તેનો ઉપયોગ ટેલિફોન, વીજળી, પાણી, લોન, ઇએમઆઇ, મુચ્યુલ ફંડ, અને વીમા પ્રીમિયમની ચુકવણી માટે કરે છે.

શું હવે રવિવાર અને રજાઓના દિવસોમાં પણ પગાર અપાશે? 
બેંકિંગ ક્ષેત્રનાં નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે કંપનીઓ હવે મહિનાની અંતિમ તારીખે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી નાખે છે. જો કોઈ કારણસર રજા હોય તો ચુકવણી એક દિવસ અગાઉ કરવામાં આવે છે. પરંતુ હવે 24 કલાક 7 દિવસ NACH ની સુવિધા મળવાથી પગારની ચુકવણી સરળ થઈ જશે. હવે કંપનીઓ ઈચ્છે તો ગમે ત્યારે પગાર ચૂકવી શકશે.