બાપુનું પુણ્યતિથિના દિવસે અપમાન : અમેરિકામાં બાપુની પ્રતિમા તોડવામાં આવી, ભારતીય મૂળના લોકોમાં રોષ

બાપુનું પુણ્યતિથિના દિવસે અપમાન : અમેરિકામાં બાપુની પ્રતિમા તોડવામાં આવી, ભારતીય મૂળના લોકોમાં રોષ

આજે ૩૦ જાન્યુઆરીના રોજ આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુની ૭૩મી પુણ્યતિથિ હતી ત્યારે અમેરિકાથી ગાંધીજીની પ્રતિમા સાથે તોડ ફોડ કરવાના સમાચાર સામે આવ્યા છે.


અમેરિકાના કેલિફોર્નિયાના ડેવિસ સિટીમાં આવેલા એક પાર્કમાં મહાત્મા ગાંધીની ૬ ફૂટ ઉંચી અને ૨૯૪ કિલોગ્રામની કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ કેટલાક અજાણ્યા ઉપદ્રવીઓએ ગાંધીજીની પ્રતિમાના પગ અને મોઢાના ભાગમાં તોડ ફોડ કરી નાખી હતી. કોઈને જાણ નથી કે મૂર્તિ ક્યારે તોડવામાં આવી અને કોણે તોડી હશે. ત્યાંના પોલીસ વિભાગના ઉપપ્રમુખ પોલ ડોરોશોવો ના જણાવ્યા મુજબ ૨૭ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ત્યાંના એક પાર્ક કર્મચારીને આ મૂર્તિ તૂટેલી હાલતમાં મળી હતી.


ગાંધીબાપુની મૂર્તિ તોડવાની આ ખબર ફેલાતા ત્યાંના ભારતીય-અમેરિકીઓ વચ્ચે રોષ જોવા મળ્યો. બાપુનો અનાદર થવાથી નારાજ ભારતીય સમુદાયે માંગ કરી છે કે પ્રશાશન તેને ધ્રુણિત અપરાધ તરીકે જુએ અને આ મામલાની તત્કાલ તપાસ શરૂ કરે. જોકે પોલિસ ઉપપ્રમુખ પોલ ડૉરોશોવોએ કહ્યું કે, ડેવિસમાં રહેતા ભારતીયો માટે બાપુ એક સાંસ્કૃતિક આઈકન તરીકે જોવામાં આવે છે માટે અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ.


તમને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધીની આ પ્રતિમા ભારત સરકાર તરફથી ડેવિસ સિટીને દાનમાં આપવામાં આવી હતી. આ મૂર્તિને સિટી કાઉન્સિલે ૪ વર્ષ પહેલાં ગાંધી વિરોધી અને ભારત વિરોધી સંગઠનોના પ્રદર્શન દરમિયાન સ્થાપિત કરી હતી. ઓર્ગેનાઇઝેશન ફોર માઈનોરીટીસ ઇન ઇન્ડિયા અને ખાલીસ્તાન સમૂહે મૂર્તિ ન સ્થાપવા માટે વિરોધ કર્યો હતો પરંતુ ડેવિસ સિટીના નાગરિકોએ મૂર્તિને સ્થાપિત કરવા સમર્થન કર્યું હતું અને મૂર્તિ સ્થાપિત કરાઈ હતી.