khissu

બીગ ન્યુઝ / IPL 2022 માં નવી બે ટીમ રમશે આઇપીએલ: હવે 8 ટીમની જગ્યાએ રમશે 10 ટીમ, BCCI ને થશે 5000 કરોડનો ફાયદો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની આગામી સીઝનમાં, હવે 8 નહીં પરંતુ 10 ટીમો ભાગ લેતી જોવા મળશે. બીસીસીઆઈએ આ લીગમાં બે નવી ટીમો ઉમેરવાની જાહેરાત કરી છે. હવે નવી સિઝનની શરૂઆત પહેલા બે નવી ટીમો માટે નિલામીની પ્રક્રિયા થશે. આ સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ખાતામાં ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયા જમા થશે એવી ધારણા કરવામાં આવી રહી છે. 

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ (IPL GC) એ યોજાયેલી બેઠકમાં બે ટીમોની હરાજી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. IPL હાલમાં 8 ટીમો વચ્ચે રમાય છે પરંતુ આવતા વર્ષથી 10 ટીમો તેમાં રમશે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, 'કોઈ પણ કંપની 75 કરોડ રૂપિયા ચૂકવીને બિડિંગ દસ્તાવેજ ખરીદી શકે છે. અગાઉ બે નવી ટીમોની બેઝ પ્રાઇસ 1700 કરોડ રૂપિયા માનવામાં આવી રહી હતી પરંતુ હવે બેઝ પ્રાઇસ વધારીને 2000 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈપીએલની આવક  પર નજર રાખતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો બિડિંગની પ્રક્રિયા યોજના મુજબ ચાલે તો બીસીસીઆઈને ઓછામાં ઓછો 5000 કરોડ રૂપિયાનો નફો થશે કારણ કે ઘણી કંપનીઓ બિડિંગ પ્રક્રિયામાં રસ દાખવી રહી છે.

આઈપીએલમાં આગામી સિઝનમાં 74 મેચ થશે અને બધા માટે ફાયદાની સ્થિતિ હશે. એવું જાણવા મળ્યું છે કે 3000 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

નવી ટીમો માટેના બેઝ લોકેશનમાં અમદાવાદ, લખનઉ અને પુણેનો પણ સમાવેશ થાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનૌનું ઉકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી બની શકે છે કારણ કે આ સ્ટેડિયમમાં વધુ ક્ષમતા છે.