આ ડિજિટલ યુગમાં, બેંકની તમામ સેવાઓ તમારી આંગળીના ટેરવે છે, જેનો તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. આજના સમયમાં, જો તમે કાર, ઘર, ઉચ્ચ શિક્ષણ, વ્યવસાય અથવા વ્યક્તિગત લોન જેવી લોન લેવા માંગતા હો, તો તમારે બેંકની મુલાકાત લેવાની જરૂર નથી. તમે તેના માટે તમારા ઘર અથવા ઓફિસે બેસીને આરામથી અરજી કરી શકો છો.
જો કે, સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓને જોતા તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. એક્સિસ બેંકે કેટલીક એવી બાબતો વિશે જણાવ્યું છે, જેને તમારે ઓનલાઈન લોન માટે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની રહેશે.
1. સાર્વજનિક Wi-Fi અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરશો નહીં
તમે સાયબર કાફે, ઈ-લાઈબ્રેરી વગેરે જેવા પબ્લિક કોમ્પ્યુટરમાં ઓનલાઈન બેંકિંગ કરીને સરળતાથી સાઈબર ક્રાઈમનો શિકાર બની શકો છો. જો તમારા સાર્વજનિક કોમ્પ્યુટરમાં 'ઓટો કમ્પલીટ' ફંક્શન ચાલુ હોય, તો તમારું ઈમેલ આઈડી અને અન્ય નાણાકીય ડેટા ચોરવું એકદમ સરળ છે. તેથી, જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ જાહેર સિસ્ટમનો ઉપયોગ કરો.
જો સાર્વજનિક કમ્પ્યુટરનો ઉપયોગ કરવો જરૂરી હોય, તો ઉપયોગ કર્યા પછી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કેશ અને ટેમ્પ ફાઇલો કાઢી નાખો. ઉપરાંત, વ્યવહાર પૂર્ણ કર્યા પછી હંમેશા સિસ્ટમમાંથી લોગ આઉટ કરો અને તમારા લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટને ક્યારેય ખુલ્લું ન છોડો.
2. માત્ર સત્તાવાર અને સુરક્ષિત પોર્ટલનો ઉપયોગ કરો
તમારી બેંક સાથે જોડાયેલી ઘણી નકલી વેબસાઈટ પણ હોઈ શકે છે. આ સાઈટ આમ જોવા જઇએ તો ઓરિજિનલ જેવી જ દેખાય છે તેથી તે તમને ભારે નુકશાન કરી શકે છે. તેથી હંમેશા ખાતરી કરો કે, તમે ઓનલાઈન બેંકિંગ કરતી વખતે બેંક અથવા ધિરાણકર્તાના મૂળ અને સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરી રહ્યાં છો. વધુ સુરક્ષિત રહેવા માટે, એડ્રેસ બારમાં બેંકનું અધિકૃત URL દાખલ કરો.
તમારા ઈમેલ આઈડી પર અથવા ટેક્સ્ટ ફોર્મમાં મળેલી લિંક પર ક્લિક કરવાનું ટાળો. આ તમને ફિશિંગ અથવા સ્મિશિંગનો શિકાર બનાવી શકે છે. જ્યારે ઈમેલમાં મળેલી નકલી લિંક ફિશિંગ અને ટેક્સ્ટના રૂપમાં જોવા મળે છે, ત્યારે તેને સ્મિશિંગ કહેવામાં આવે છે.
3. દસ્તાવેજો અપલોડ કરતી વખતે સાવચેત રહો
લોન માટે ઑનલાઇન અરજી કરતી વખતે તમારે અમુક દસ્તાવેજો જેમ કે PAN, આધાર, બેંક વિગતો વગેરે અપલોડ કરવાની જરૂર પડી શકે છે. આ દસ્તાવેજોમાં મહત્વપૂર્ણ નાણાકીય માહિતી છે. જો તમે આ દસ્તાવેજો બેંકની સત્તાવાર વેબસાઇટની જગ્યાએ અન્ય જગ્યાએ અપલોડ કરો છો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
4. નકલી પ્રમોશનલ કૉલ્સથી સચેત રહો
આ દિવસોમાં વોઇસ રેકોર્ડેડ કોલ્સ તથા લોન આપતા ટેલીમાર્કેટર્સ કોલ્સ ખૂબ જ સામાન્ય બાબત થઇ ગઇ છે. આમાંથી કેટલાક અસલી હોઈ શકે છે પરંતુ કેટલાક તમારા ડેટાની ચોરી કરવા માટે નકલી કૉલ્સ પણ હોય છે. આને વિશિંગ કહેવામાં આવે છે. તેથી, આવા કૉલ્સમાં તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો.
5. બેંકમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજીસ્ટર કરો
બેંકમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજીસ્ટર કરીને, તમે તમારા નાણાકીય વ્યવહારો વિશે નિયમિત અપડેટ મેળવી શકો છો. આ તમને તમારી લોન એપ્લિકેશનની સ્થિતિને ટ્રૅક કરવામાં અને અન્ય અપડેટ્સ પર પણ ફોલોઅપ કરવામાં મદદ કરશે. કોઈપણ વિસંગતતાના કિસ્સામાં, તમે તરત જ બેંકને છેતરપિંડીની જાણ કરી શકો છો.
6. મજબૂત પાસવર્ડ અને PIN નો ઉપયોગ કરો
ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરતી વખતે હંમેશા મજબૂત PIN અને પાસવર્ડનો ઉપયોગ કરો. સરળ અને વધુ પડતા ઉપયોગમાં લેવાતા પાસવર્ડ અને PIN ટાળો. આ સાથે સમયાંતરે તેને બદલતા રહો.