વૃષભ(બ, ઉ, વ) રાશિના જાતકો માટે :- ધંધાકીય રૂપે આજનો સમય સારો છે. નાણાકીય લાભ પણ શુભ રહેશે. તમારું કાર્ય પૂર્ણ થશે પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે. તમે દૈનિક પ્રવૃત્તિઓમાં તમારા પરિવારના સભ્યોની ભાગીદારી અને કામગીરીથી ખુશ થશો. ખાસ કરીને તકનીકી ક્ષેત્રમાં નવા રોજગાર મેળવનારા ઓને સારી સ્થિતિ મળશે. જેઓ સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે, સમયસર પ્રમોશન મળે તેવી સંભાવના છે.
વેપાર કરવો છે ? તો રસી લો :- સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની બીજી લહેર ચાલી રહી છે. ભારતમાં હવે લોકોને રસી મળે તે માટે રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રસીકરણ અંગે ગુજરાતના અમદાવાદમાં રસીકરણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કલેટકર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જો હવે તમારે અમદાવાદમાં વેપાર કરવો છે તો વેક્સિન લેવી પડશે. જો કોઈ વેપારીએ રસી નહિ લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે બીજી તરફ ઘણા સમય બાદ વેપાર ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે વેક્સિન વગર વેપારને મંજુરી ન મળતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયાં છે. અને જે વેપારીએ રસી નથી લીધી તેમણે RTPCR નો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે અમદાવાદમાં વેપારીઓ પાસેથી પોલીસ વેક્સિન સર્ટિફિકેટ માંગી શકે છે અને ન હોય તો કાર્યવાહી કરવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી :- હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દિન પ્રતિદિન વાતાવરણમાં પલટો જોવા મળે છે. દક્ષિણ પશ્ચિમ પવન અત્યંત ઝડપી બનતા નૈઋત્ય નુ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. વલસાડ તરફ એટલે કે દક્ષિણ ગુજરાત તરફ અને સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લાઓ તરફ થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવે ધીમી ગતિએ ચોમાસુ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ વધી રહ્યું છે. આગામી 13 થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં પાંચ દિવસ હળવા થી મઘ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
વિધાર્થીઓ માટે G - SHALA એપ લોન્ચ :- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, વિવિધ પ્રોજેક્ટ્સ યોજનાઓના અમલીકરણ નાં હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં અદ્યતન કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર 2.0 નાં નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સરકારે ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થિઓને હોમ લર્નિંગ ઓનલાઇન શિક્ષણ માટે G - SHALA એટલે કે (ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટીવ લર્નિંગ એપ) લોન્ચ કરી હતી. સ્માર્ટફોન ધરાવતા ધોરણ 1 થી 12 ના 56 લાખ થી વધુ વિદ્યાર્થીઓ G SHALA એપ્લિકેશન દ્વારા જુદા-જુદા મોડ્યુલ થી ભણી શકશે. જેમાં મહત્વની વાત એ છે કે રૂપાણી સરકાર ટાઈમસર પરિક્ષાઓ લઈ નથી શકતી, પરિણામો જાહેર નથી કરી શકતી, શિક્ષણલક્ષી કોઈપણ નિર્ણય હોય ગુજરાત સરકાર હંમેશા છબરડા કરતી હોય છે. રૂપાણી સરકાર ફકત ઉદ્ઘાટન કરવામાં સારી રુચિ ધરાવે છે. બાકી મહત્વનાં જે નિર્ણયો છે તે લેવામાં પાછળ જ હોય છે.
વેક્સિનેશન હવે રજીસ્ટ્રેશન વગર :- દેશમાં કોરોના મહામારી ની બીજી લહેર ચાલી રહી છે. એવામાં દેશમાં વેક્સિનેશન અભિયાન ભારતમાં પૂરા જોશ થી શરુ છે. અને આ અભિયાનની વચ્ચે કોરોના રસીનો બગાડ મોટા પાયે થઈ રહ્યો છે. એક તરફ લોકો રસી લેવા માટે લાઇનમાં ઊભા છે તો બીજી બાજુ ઘણા રાજ્યોમાં વેક્સિન નાં બગાડની ખબરો આવી રહી છે. કોરોના વેક્સિનેશન મુદ્દે રાજકોટ થી મોટા સમાચાર આવ્યા છે કે રાજકોટમાં હવે 18 થી 44 વયના લોકો માટે સ્લોટ વગર રસી અપાશે. 14 જૂનથી 15 કરતા વધુ કોલેજોમાં રસીકરણ અભિયાન હાથ ધરાશે. 70 ટકા રાજકોટમાં વેક્સિનેશન થયાના સમાચાર પણ આવ્યા છે. રાજ્યમાં રસીકરણ નાં ટોપ 5 માં રાજકોટનો સમાવેશ થયો છે.
લ્યો કરો વાત ! :- લગભગ 9 વર્ષ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ATM સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનનાં નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. આરબીઆઇ એ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ભાવ વધારવાની મંજુરી આપી છે. જે રીતે ગ્રાહકો પહેલા 5 વખત ATM નો ઉપયોગ કરી શકતા તેમ જ કરી શકશે. પરંતુ 5 વખત ATM નો ઉપયોગ કર્યા બાદ 6 રૂપિયાનો ચાર્જ લાગશે. તેની સાથે જ નાણાકીય ટ્રાન્જેક્શન એટલે કે પૈસા ઉપાડવા માટે અલગથી 17 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે જે પહેલા 15 રૂપિયા હતો. 1 એપ્રિલ 2022 થી બેંકોને ગ્રાહક ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસૂલ કરવાની મંજૂરી અપાઈ છે. હાલમાં બેંકોને આ માટે વધુમાં વધુ 20 રૂપિયા સુધી ચાર્જ વસૂલવાની છૂટ છે. ATM માંથી નાણાકીય વ્યવહાર માટે ચાર્જ 15 થી 17 રૂપિયા કરી દીધા છે. આ નિયમ 1 ઓગસ્ટ 2021 થી લાગુ પડશે.
ધોરણ 10નુ રીઝલ્ટ તૈયાર :- તમને જાણ જ હશે કે ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થિઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. હવે ધોરણ 10 નાં વિધાર્થીઓનું પરિણામ તૈયાર થઈ ગયું છે. ટુંક સમયમાં જ પરિણામ ઑનલાઇન મૂકી દેવામાં આવશે. જેના માટે શાળાઓમા માર્કશીટ તૈયાર થઈ રહી છે. ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા માટે બોર્ડ દ્વારા SOP જાહેર કરવામાં આવી હતી. તે મુજબ દરેક શાળાઓએ વિદ્યાર્થીઓના રીઝલ્ટ તૈયાર કર્યા છે. હવે પ્રશ્ન એ છે કે ઘણા વિધાર્થીઓએ તો એકમ કસોટી પણ નથી આપી અથવા તો કોરોના હોવાને કારણે તેઓને એકમ કસોટી માંથી બાકાત રાખવામાં આવ્યાં છે. જેથી નિયમોથી બંધાયેલી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. શું આ જ વિકાસ છે ?
મેડ ઈન ઈન્ડિયા કોવેક્સિન ? 'નો' :- યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ રેગ્યુલરે ભારત બાયોટેકની કોરોના રસીના ઉપયોગ માયે ઇમરજન્સી મંજૂરીને નકારી દીધી છે. યુએસ નિયમનકારે ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિન નો ઉપયોગ કરવા માટે કટોકટી મંજૂરી આપવાનો ઇન્કાર કરી દિધો છે. તેવામાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારત દરેક દેશની નિયમનકારી પ્રણાલી નો આદર કરે છે. તેની કોઈ અસર આપણા રસીકરણ કાર્યક્રમ પર નહિ પડે. ગઇકાલે ઓક્યુજને FDO ની સલાહ અનુસાર કોવેક્સીન માટે BLA ફાઇલ કરી છે. આ ફાઈલ હેઠળ દવાઓ અને રસીઓને મંજુરી આપવામાં આવે છે. ઓક્યુજેને કંપની હવે કોવેક્સિન માટે ઇમરજન્સી યુઝ પરમિશન લેવાની માંગ કરશે નહિ.
વ્હાઈટ ગોલ્ડ :- એક દસકા પછી રેકોર્ડબ્રેક કપાસનો ભાવ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિના દરમિયાન કપાસ બજારમાં આવેલા ઉછાળાએ કોટન માર્કેટને ચૌકન્ની કરી દીધી છે, તો સામે ખેડૂતોને પણ ફેર વિચારતા કરી દીધા છે. સને 2010-11ના વર્ષ દરમિયાન કપાસની બજારે ખેડૂતોને પ્રતિ 20 કિલો રૂ.1450 સુધીના આપ્યા હતા. 2011-માર્ચ મહિનાના પ્રારંભે જ દક્ષિણની સ્પીનીંગ મીલો દ્રારા, એ વખતની કેન્દ્ર સરકારના કાનમાં એવી તે કંઇક હવા ફૂંકવામાં આવી કે રૂ ગાંસડીની નિકાસના દરવાજા રાતોરાત બંધ થઇ ગયા હતા. એ વખતે ઉંચા ભાવ લેવાની લ્હાયમાં ઘણા ખેડૂતોએ પાછી પડેલ રૂ.900થી નીચેના ભાવે કપાસ કાઢવો પડ્યો હતો. હાલની વાત કરીએ તો સિઝનના છેલ્લા તબક્કા તરફ સરકી રહેલી બજારમાં કપાસના ભાવે છેલ્લા એક મહિનામાં રૂ.250 થી રૂ.300ની છલાંગ મારી છે. બહુ ઓછા ખેડૂતોના હાથમાં કપાસનો સ્ટોક બચ્યો છે.
દિવાળીમાં સોનું ચાંદી કેટલું સસ્તું થશે :- વાયદો વધતા સોનાં ચાંદીનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયાના 5 મહિનાના ઉચ્ચ સ્તર પર 49,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા બાદ સોનામાં ઘટાડો આવ્યો છે. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટિંગ કંપનીઓએ નક્કી કરતી હોય છે. જેમાં ખાસ પરિબળો ભાગ ભજવતા હોય છે. એટલે કે ખાસ કરીને યુએસ અને યુકેની સરકારો પોતાના વ્યાજદરો નક્કી કરે છે. જે મુજબ સોનાના ભાવ નક્કી થતાં હોય છે.જો દિવાળી સુધીની વાત કરીએ તો કોઈ મોટી તેજી કે મોટી મંદી આવશે નહિ. જેથી નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 53,000 થઈ શકે છે અથવા તો 54,000 સુધી જઈ શકે તેમ છે.