એલર્ટ! દેશમાં ઓનલાઈન લોન આપતી 600થી વધુ એપ છે ફર્જી, લોન લેતા પહેલા વિચારી લેજો

એલર્ટ! દેશમાં ઓનલાઈન લોન આપતી 600થી વધુ એપ છે ફર્જી, લોન લેતા પહેલા વિચારી લેજો

શમાં હાલમાં 600થી વધુ ગેરકાયદેસર લોન આપતી એપ ચાલી રહી છે અને તે એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. જો તમે તેમની જાળમાં ફસાશો, તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. કેન્દ્ર સરકારે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તારણો અનુસાર, આવી 600 થી વધુ એપ્સ છે.

ગાળીયો કસવાની તૈયારી 
આ ખુલાસા બાદ હવે દેશમાં ડિજિટલ લેન્ડિંગ એપ્સ (ઓનલાઈન લોન આપતી એપ) પર ગાળીયો કસવાની તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં આરબીઆઈ દ્વારા રચવામાં આવેલી સમિતિએ ગ્રાહકોના હિતની સુરક્ષા માટે નોડલ એજન્સીની રચના કરવાનું સૂચન કર્યું છે.

લોન ધિરાણ આપતી એપ સામે 2500 થી વધુ ફરિયાદો
નાણા રાજ્ય મંત્રીએ માહિતી આપી હતી કે ફરિયાદો નોંધવા માટે આરબીઆઈ દ્વારા સ્થાપિત પોર્ટલ Sachet ને જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 સુધીમાં ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સ વિરુદ્ધ લગભગ 2,562 ફરિયાદો મળી છે.

2500 થી વધુ ફરિયાદો મળી
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, હાલના સમયમાં ડિજિટલ લોન ફ્રોડમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 સુધીમાં ડિજિટલ ધિરાણ એપ્લિકેશનો સામે 2500 થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ પછી કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના લોકો સાથે છેતરપિંડી થઈ હતી.

જાન્યુઆરી 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જયંત કુમાર દાસની અધ્યક્ષતામાં ડિજિટલ માધ્યમ સહિત ઑનલાઇન પ્લેટફોર્મ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા લોન માટે એક કાર્યકારી જૂથની રચના કરી હતી. આ કાર્યકારી જૂથની સ્થાપના ડિજિટલ લોન પ્રવૃત્તિઓમાં ઝડપથી વિકસતી વ્યવસાયિક પદ્ધતિઓ અને ગ્રાહક સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેણે તેમના સૂચનો આપ્યા છે.

આરબીઆઈએ રાજ્યોને આવા પ્લેટફોર્મ પર નજર રાખવા જણાવ્યું છે
23 ડિસેમ્બર 2020 ના રોજ, આરબીઆઈએ સામાન્ય લોકોને "અનધિકૃત ડિજિટલ લોન પ્લેટફોર્મ અથવા મોબાઇલ એપ્લિકેશન્સની અનૈતિક પ્રવૃત્તિઓ" નો શિકાર ન થવાની ચેતવણી આપી હતી. MoS ફાઇનાન્સે જણાવ્યું હતું કે તેણે લોકોને વિનંતી કરી છે કે તેઓ આવી લોન ઓફર કરતી કંપની અથવા પેઢીની ચકાસણી કરે. મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બેંકે રાજ્યોને તેમની સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આવા પ્લેટફોર્મ અથવા એપ્સ પર નજર રાખવા માટે એડવાઈઝરી જારી કરી છે.