શહેરના રસ્તાઓ પર દરરોજ સંભળાતા હોર્નના જોરદાર અને કર્કશ અવાજથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત વાહનોમાં વપરાતા હોર્ન ભારતીય શાસ્ત્રીય વાદ્યોના અવાજ પર આધારિત હશે. એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જ્યારે કોઈ વાહન હોર્ન વગાડશે, ત્યારે કદાચ વાંસળી, તબલા, વાયોલિન કે હાર્મોનિયમ જેવો મધુર અવાજ સંભળાશે.
ટ્રાફિકમાં શાંતિ લાવવાની પહેલ
ગડકરીએ કહ્યું કે જોરથી અને તીણા અવાજવાળા હોર્ન લોકોની માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો કરે છે. તેથી, સરકાર હવે વાહનોના હોર્નને 'સંગીતમય' બનાવવા તરફ પગલાં લઈ રહી છે. આ નિર્ણયનો હેતુ લોકોને ધ્વનિ પ્રદૂષણથી રાહત આપવાનો અને ટ્રાફિક અનુભવ સુધારવાનો છે.
હાલમાં સંગીતના હોર્ન પર દંડ છે!
નોંધનીય છે કે સેન્ટ્રલ વ્હીકલ એક્ટ 1989 હેઠળ, મ્યુઝિકલ હોર્ન લગાવવા નિયમોની વિરુદ્ધ છે અને આમ કરવા બદલ દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ આવનારા સમયમાં આ નિયમ બદલાઈ શકે છે.
ભારત ત્રીજું સૌથી મોટું વાહન બજાર બન્યું
તેમણે એમ પણ કહ્યું કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે. જે અમેરિકા અને ચીન પછી આવે છે. 2014 માં, ઓટો સેક્ટરનું બજાર મૂલ્ય 14 લાખ કરોડ રૂપિયા હતું. તે હવે વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તો હવે રસ્તા પર હોર્ન સાંભળો ત્યારે આશ્ચર્ય પામશો નહીં, કદાચ આગલી વખતે તમને તબલાના ધબકારા કે વાંસળીનો સૂર સંભળાશે!