khissu

ભાવ વધારો/ ...તો શું હવે ગેસ સીલીન્ડરનો ભાવ 1000 રૂપિયા થઇ જશે? પેટ્રોલ ડીઝલ બાદ LPGનો વારો...

આ મહિનો પૂરો થતાં જ તહેવારોની સીઝન આવશે જેમાં તમારે LPG ગેસ સીલીન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે.  છેલ્લા એક અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે,  જેથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે.  LPG ગેસ સિલિન્ડર ની કિંમત સંભવત 1000 નો આંકડો પાર કરી શકે છે. જેની શરૂઆત આજથી પેટ્રોલ ડીઝલના ભાવથી થઈ છે જે 18 દિવસથી સ્થિર હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધી રહી છે. છેલ્લા દસ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઓગસ્ટમાં 74.22 ડોલર પ્રતિ બેરલ હતા. ચાલુ મહિને ક્રૂડ ઓઇલના ભાવ $ 75 ને પાર થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું  છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધારવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો તેની અસર તેલના ભાવ પર પડશે. જેથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.

LPG ગેસ સિલિન્ડર પર સબસીડી બંધ થઈ શકે છે: જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ વધે તો એલપીજી ગેસ સિલિન્ડર પણ મોંઘો થશે. આ સાથે, સરકાર એલપીજી સબસિડી પણ સંપૂર્ણપણે બંધ કરી શકે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબસિડી માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આપી શકાય છે. એવામાં સરકારના આંતરિક સર્વેમાં સ્વીકારવામાં આવ્યું છે કે ગ્રાહકો એક હજાર રૂપિયાનો સિલિન્ડર ખરીદી શકે છે.

મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. પરંતુ ટૂંક સમયમાં સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરી બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 190.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ગત વર્ષની સરખામણીએ ભાવ બમણાથી વધુ થઈ ગયો છે. અત્યારે દેશના અમુક રાજ્યોમાં ગ્રાહકોને એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ મળી રહ્યો છે. તેમાં લદ્દાખ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, ઉત્તર પૂર્વ રાજ્યો અને કેટલાક રાજ્યોના પછાત વિસ્તારોનો સમાવેશ થાય છે.