khissu

PhonePe થી રિચાર્જ કરવા પર લાગશે ચાર્જ, રિચાર્જ કરતાં પહેલાં જાણી લો PhonePe નવા Recharge ચાર્જ

વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપની PhonePe યુઝર્સને હવે મોબાઈલ રિચાર્જ પર વધુ પૈસા ખર્ચવા પડશે. PhonePe એ UPI મારફતે 50 રૂપિયાથી વધુના મોબાઇલ રિચાર્જ પર 1 થી 2 રૂપિયાની પ્રોસેસિંગ ફી લેવાનું શરૂ કર્યું છે. 

PhonePe એ UPI આધારિત વ્યવહારો માટે ચાર્જ શરૂ કરવાવાળી પ્રથમ ડિજિટલ ચુકવણી એપ્લિકેશન છે. તેમજ, અન્ય સ્પર્ધાત્મક કંપનીઓ આ સેવા મફત આપી રહી છે. અન્ય કંપનીઓની જેમ, PhonePe ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવા માટે પણ પ્રોસેસિંગ ફી વસૂલે છે. 

PhonePe ના પ્રવક્તાએ કહ્યું કે રિચાર્જ પર, અમે ખૂબ જ નાના સ્તર પર પરીક્ષણ કરી રહ્યા છીએ જ્યાં કેટલાક વપરાશકર્તાઓ મોબાઇલ રિચાર્જ માટે ચૂકવણી કરી રહ્યા છે. 50 રૂપિયાથી ઓછા રિચાર્જ પર કોઈ ચાર્જ નથી. પ્રવક્તાએ કહ્યું કે 50 થી 100 રૂપિયાના રિચાર્જ માટે 1 રૂપિયા અને 100 રૂપિયા વધુના રિચાર્જ પર 2 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. પરીક્ષણના ભાગરૂપે, મોટાભાગના વપરાશકર્તાઓ કાં તો કંઈ ચૂકવણી કરતા નથી અથવા ફક્ત એક રૂપિયાનો ચાર્જ ચૂકવે છે.

થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સમાં UPI વ્યવહારોના સંદર્ભમાં PhonePeનો સૌથી મોટો હિસ્સો છે. સપ્ટેમ્બરમાં, કંપનીએ તેના પ્લેટફોર્મ પર 165 મિલિયન UPI ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે એપ સેગમેન્ટમાં લગભગ 40 ટકા છે.

બિલની ચુકવણી અંગે સ્પષ્ટતા આપતા પ્રવક્તાએ કહ્યું કે, ફી વસૂલનારા અમે એકલા નથી. બિલની ચુકવણી પર નાની ફી વસૂલવી એ હવે ઉદ્યોગનું ધોરણ છે અને અન્ય બિલર વેબસાઇટ્સ અને પેમેન્ટ પ્લેટફોર્મ પણ કરી રહ્યા છે. અમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર જ પ્રોસેસિંગ ફી વસૂલ કરીએ છીએ.

જુલાઈમાં બહાર પાડવામાં આવેલા બર્નસ્ટીન રિપોર્ટ મુજબ, ફોનપે અને ગૂગલ પે (Google Pay) ગ્રાહક પ્રોત્સાહનોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને માર્કેટિંગ પર 2.5 થી 3.0  ગુણા ખર્ચ કરે છે, જ્યારે પેટીએમ (Paytm) તેના માર્કેટિંગ ખર્ચને સુવ્યવસ્થિત કરી રહ્યું છે. Paytm એ વિત્તિય વર્ષ 2017માં તેની કુલ આવકના 1.2 ગણા માર્કેટિંગ પર ખર્ચ કર્યા હતા, જે વિત્તિય વર્ષ 2020માં ઘટીને 0.4 ટકા અને હાલમાં 0.2 થઈ ગયા છે. આ સાથે Wallet, UPI, POS અને ઓનલાઈન પેમેન્ટ્સ વચ્ચે વેપારી ચૂકવણીના હિસ્સામાં વધારો કર્યો છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ UPI માટે માર્કેટ શેરની મર્યાદા નક્કી કરી છે. એવી કોઈ કંપની ન હોઈ શકે જેનો બજાર હિસ્સો 30 ટકાથી વધુ હોય. બર્નસ્ટેઈનના અહેવાલમાં જણાવાયું છે કે, NPCIના માર્કેટ હિસ્સેદારીના કારણે PhonePe અને Google Payએ તેમનો હિસ્સો 30 ટકાની મર્યાદાથી નીચે લાવવા માટે તેમના ગ્રાહક ઈનસેંટીવમાં કાપ મૂકવો પડશે.