જગતના તાત આગળ ઝૂકી મોદી સરકાર, કૃષિ કાયદા પરત લેવાની કરી જાહેરાત

જગતના તાત આગળ ઝૂકી મોદી સરકાર, કૃષિ કાયદા પરત લેવાની કરી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક વર્ષથી, ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા માટે દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા હતા. વડાપ્રધાને તેમના સંબોધનમાં ખેડૂતોને સંબોધતા કહ્યું કે અગાઉની સરખામણીમાં કૃષિ બજેટમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે.

હું બધાનો ખૂબ જ આભારી છું

પ્રધાનમંત્રી નંરેન્દ્ર મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનાથી ગામડાના નાના ખેડૂતોને વધુ શક્તિ મળે. આ અંગે વર્ષોથી માંગ દેશના ખેડૂતો અને એક્સપર્ટ, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. અમે જ્યારે આ કૃષિ કાયદાઓ લાવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. આ કાયદાનું દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું.

તેમણે વધુમાં કહ્યું, ખેડૂતોના કલ્યાણ માટે, અમારી સરકારે આ કાયદો દેશના કૃષિ જગતના હિતમાં, ગરીબો અને ગામડાના હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે, ઉમદા હેતુ સાથે લાવી હતી. પરંતુ અમે ખેડૂતોના હિત માટે આવી પવિત્ર વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તો બીજી તરફ ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

નોંધનિય છે કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે પાછા ફરો, ખેતરોમાં પાછા ફરો, પરિવારમાં પાછા ફરો, નવી શરૂઆત કરો.

પીએમએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાત વર્ષમાં દેશમાં કૃષિના વિકાસ માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર હેઠળ ખેડૂતોને soil health card આપવામાં આવ્યા છે અને તેનાથી કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ મળી છે. પીએમએ કહ્યું કે તેમની સરકાર દરમિયાન ખેડૂતોને વળતર તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય વીમો અને પેન્શન પણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.