2022નું નવુ વર્ષ શરૂ થવામાં માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં નવા વર્ષની શરૂઆતથી ઘણા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે. જેમા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ GST રિફંડથી લઈને દંડ, ટેક્સ જમા કરવા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે.
ક્લેમ રિફંડમાં થશે અસર
નોંધનિય છે કે, આ ફેરફારને ઈને સીબીઆઈસીએ એક નોટિફફિકેશન પણ બહાર પાડ્યું છે. તે મુજબ જે બિઝનેસમેનના GST નંબરને આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં નથી આવ્યા તેમને 1 જાન્યુઆરીથી ઘણા પ્રતિબંધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમ ન કરવા પર વેપારીઓ દ્વારા કરવામા આવેલા ક્લેમનું રિફંડ રોકી દેવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કારણસર રજિસ્ટ્રેશ રદ થાય છે, તો તે વેપારી રજિસ્ટ્રેશન ફરી શરૂ કરવા અરજી પણ નહીં કરી શકે.
ઓછો ટેક્સ ભરવા પર થશે કાર્યવાહી
આ ઉપરાંત સીબીઆઈસીના નોટિફિકેશન મુજબ ટેક્સ ઓછો ભરવા પર કે નહીં ભરવા પર થતી કાર્યવાહીમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, આ પહેલા આવુ કરનારાઓ સામે બેંક ખાતા અથવા મિલકતો એટેચ કરવાની લાંબી નોટિસ પ્રક્રિયા અમલમાં હતી, જેને હવે દૂર કરવામાં આવી છે. એનો મતલબ એવો કે હવે નોટિસ આપ્યા વગર પણ પ્રોપર્ટી એટેચ કરવામાં આવશે. ઘણી વાર એવુ બનતુ કે વેપારી ઓછું વેચાણ બતાવીને ઓછો ટેક્સ ભરતા હતા અથવા નકલી કંપનીઓ બનાવીને વધુ બિલ બનાવતા પરંતુ તેની સામે ટેક્સ ઓછો ભરતા હતા.
ઈ-વે બિલ ટ્રાન્સપોર્ટમાં ફેરફાર
ઈ-વે બિલ દ્વારા માલના પરિવહનમાં ભૂલ માટે હવે ટેક્સની જોગવાઈને દૂર કરીને દંડ સીધો બમણો કરવામાં આવશે. આ નવી જોગવાઈમાં હવે દંડ સામેની અપીલમાં 25 ટકા ભર્યા બાદ જ ઉચ્ચ કક્ષાએ અપીલ થઈ શકશે. આ અગાઉ તે 10 ટકા ટેક્સ નક્કી કરવામાં આવ્યો હતો.