રેલ્વે મંત્રાલયનો મોટો નિર્ણય: સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ ભાડું બંધ...

રેલ્વે મંત્રાલયનો મોટો નિર્ણય: સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ ભાડું બંધ...

રેલ્વે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કહ્યું છે કે મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે રેગ્યુલર ટ્રેનો જેવી જ હશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને રેગ્યુલર મેલ/એક્સપ્રેસ ટ્રેનો ખાસ ટ્રેન તરીકે ચલાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ ટ્રેનોનું સામાન્ય સંચાલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડના કારણે ટ્રેક પર દોડતી સ્પેશિયલ ટ્રેન હવે ફરી એકવાર પહેલાની જેમ દોડશે. મુસાફરોએ વિશેષ ટ્રેનનો ચાર્જ અલગથી ચૂકવવો પડશે નહીં. સામાન્ય ભાડું લાગુ જ પડશે. તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. જોકે, આરક્ષિત ટિકિટ માટેના સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં થોડો સમય લાગી શકે છે.

તમામ ટ્રેનોમાંથી વિશેષ ટેગ હટાવી દેવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણ પહેલા દેશભરમાં દોડતી ટ્રેનો યથાવત સ્થિતિમાં આવી રહી છે. તમામ ટ્રેનોમાંથી સ્પેશિયલનું ટેગ હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ કોવિડ પ્રોટોકોલ ચાલુ રાખવામાં આવશે. આ કારણે, અનરિઝર્વ્ડ કોચમાં ટિકિટ બુક કરાવ્યા પછી જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. તેવી જ રીતે, જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે તેમને જ આરક્ષિત કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. કોવિડ પ્રોટોકોલને કારણે હાલમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટરિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે નહીં. રેલવે દ્વારા મુસાફરોને ચાદર અને ધાબળા પણ આપવામાં આવશે નહીં.

સ્પેશિયલ ટ્રેનોને બદલે રેગ્યુલર ટ્રેનો દોડાવવામાં આવશે.
એટલે કે મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે પહેલાની જેમ સામાન્ય ટ્રેનો જેવી હશે. આ ટ્રેનો ફરીથી રેગ્યુલર નંબરો સાથે દોડશે. આ સાથે સ્પેશિયલ ભાડાને બદલે જૂનું સામાન્ય ભાડું ફરી લાગુ થશે.

રેલવે ચાર્જ વસૂલશે નહી અને રિફંડ પણ કરશે નહી.
રેલવેના જણાવ્યા અનુસાર, ન તો રેલવે પહેલેથી બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા વસૂલશે અને ન તો રેલવે કોઈ રિફંડ આપશે. CRIS ને આ અંગે જરૂરી ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં નિર્ણયનો અમલ કરવામાં આવશે.
રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે આ સંબંધમાં સૂચનાઓ જારી કરી છે, જે આગામી થોડા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણય પછી, આગામી થોડા દિવસોમાં 1700 થી વધુ ટ્રેનો નિયમિત ટ્રેન તરીકે કામ કરવાનું શરૂ કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં અમલમાં રહેશે.