રેશનકાર્ડ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક માનવામાં આવે છે. ઘણી વખત રેશનકાર્ડ અપડેટ કરવું પડે છે અને ક્યારેક રેશનકાર્ડ ખોવાઈ ગયા પછી ડુપ્લિકેટ કોપી બનાવવી પણ મુશ્કેલ બને છે. હવે આ બધી મોટી મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. તમને જણાવી દઈએ કે ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ આ સમસ્યાઓથી છુટકારો મળશે. હવે તમે કોઈપણ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર રેશનકાર્ડ સબંધિત સમસ્યા માટે જઈ શકો છો.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને CSC એ દેશમાં 3.7 લાખ CSC સેન્ટર દ્વારા રેશનકાર્ડ સેવાઓ માટે કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSC- કોમન સર્વિસ સેન્ટર્સ) માં રેશનકાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવાનો સમાવેશ કરવામાં આવશે. આ પગલાથી સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનના પુરવઠાને સુસંગત બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાનો છે.
ક્યાં ક્યાં લાભો મળશે:
1) કોમન સર્વિસ સેન્ટર દ્વારા રેશનકાર્ડ સંપૂર્ણપણે અપડેટ કરી શકાય છે.
2) રેશનકાર્ડ માં આધાર લિંક કરી શકાશે.
3) રેશનકાર્ડની ડુપ્લિકેટ પ્રિન્ટ પણ કાઢી શકાશે.
4) તમે તમારી રેશનની માહિતી પણ સરળતાથી મેળવી શકશો
5) જો રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય, તો તમે તેના માટે કોમન સર્વિસ સેન્ટર પર નવા કાર્ડ માટે અરજી કરી શકશો.
6) રેશનકાર્ડ સંબંધિત કોઈપણ ફરિયાદ સરળતાથી કરી શકશો.
આ ઉપરાંત, સીએસસીની ઓનલાઇન સેવાઓ પણ વાજબી ભાવની દુકાનો પર ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં પીએમ કલ્યાણ યોજનાઓ, જી 2 સી સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમો, નાણાકીય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.