રીપીટર વિદ્યાર્થીઓ દુવિધામાં, મહુવામાં ડુંગળી 1 રૂપિયે વેંચાઈ, આગામી દિવસોમાં ચોમાસુ કેવું રહેશે, કોરોના નાં કેસોમાં સતત ઘટાડો વગેરે...

રીપીટર વિદ્યાર્થીઓ દુવિધામાં, મહુવામાં ડુંગળી 1 રૂપિયે વેંચાઈ, આગામી દિવસોમાં ચોમાસુ કેવું રહેશે, કોરોના નાં કેસોમાં સતત ઘટાડો વગેરે...

આગામી 5 દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે :- હાલ પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે. હજુ પણ હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ દેખાય રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદી માહોલ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લામાં પણ વરસાદની અસર જોવા મળી હતી. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે

જોબ એલર્ટ :- ગુજરાતમાં કોરોનાનાં કારણે GPSC દ્વારા મોકૂફ રખાયેલી પરીક્ષાઓ અંગે નવી જાહેરાત સામે આવી છે. અલગ અલગ 146 પરીક્ષાઓની તારીખોનુ નવુ ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં અગાઉ મોકૂફ રખાયેલી પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. 13 જૂનથી અલગ અલગ પરીક્ષાઓ યોજાશે. આગામી જૂન મહિનાથી વિવિધ પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ થશે. જેમાં અગાઉ ફોર્મ ભર્યા છે તે વય મર્યાદા માન્ય ગણવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. જેથી કેટલાક યુવાનોમાં વય મર્યાદા ને લઈને ચિંતા વધી હતી. જ્યારે ફોર્મ ભર્યા ત્યારે પોતે ઉંમર મર્યાદામાં હતા. પરંતુ બે વર્ષ થી પરીક્ષા મોકૂફ હોવાથી તેમની ઉંમર ધી ગઈ છે. અગાઉ જે ફોર્મ ભરાઈ ગયા છે તે ઉમેદવારો ની અત્યારે ઉંમર વયમર્યાદા કરતાં વધી ગઈ હશે તો તે ઉમેદવાર પણ પરિક્ષા આપી શકશે.

આઈપીએલ હવે ક્યારે શરૂ થશે :- કોરોના મહામારી નાં કારણે ભારતમાં આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે બીસીસીઆઈ એ ટુર્નામેન્ટ ફેઝ 2 ને UAE માં યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઇનસાઈડ સ્પોર્ટસ નાં રિપોર્ટના આધારે ટુર્નામેન્ટ ની ફાઈનલ અને પ્લે ઓફ એક જ સ્ટેડિયમ માં યોજાશે. આ મેચો માટે બોર્ડની પ્રથમ પસંદગી દુબઈ છે. 18 ઓક્ટોબર થી યોજાનારો T20 વર્લ્ડ કપ ભારતની જગ્યાએ UAE માં શિફ્ટ કરવામાં આવે તો ત્રણ સ્ટેડિયમ માંથી બીજા બે સ્ટેડિયમ માં ક્રિકેટરો ને પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવશે. ભારત અને UAE ક્રિકેટ બોર્ડ આ સ્ટેડીયમો ને એક ઓકટોબર નાં રોજ ICC ને સોંપી શકે છે.

અમદાવાદમાં AMTS અને BRTS બસ દોડશે :- અમદાવાદમાં કોરોના મહામારી ની બીજી લહેરનો પ્રકોપ ઘટતા વહીવટી તંત્રે ફરી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS અને BRTS ની બસો 7 તારીખ થી શરુ થશે. કેન્દ્ર સરકાર ની SOP પ્રમાણે 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદમાં બસ સેવા  બંધ હોવાથી ખાનગી રિક્ષા ચાલકો ઉંચું ભાડું વસૂલતા હોવાની ફરીયાદો ઉઠી હતી.  AMTS અને BRTS બસ સેવા શરૂ થવાથી નોકરિયાત અને જાહેર જનતાને મોટી રાહત મળશે.

કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરાશે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડીયા ને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી હતી. કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વનાં નકશામાં નામાંકીત થયો છે ત્યારે પર્યાવરણ ની જાળવણી માટે વડાપ્રધાન મોદીએ વધુ એક નિર્ણય લીધો છે. કેવડીયા નાં ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી હતી. ભવિષ્યમાં કેવડીયાને ઇલેક્ટ્રિક વિહકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડીયા માં બેટરી સંચાલિત બસ, બાઈક અને કાર જ ચાલશે. જેના માટે ઈન્ફરાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

કૃષિ સમાચાર :- ડુંગળીની બજારમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં ભાવ વધુ સુધરે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહયાં છે. દેશમાં આંશિક લોકડાઉનને કારણે ડુંગળી નાં ટ્રાન્સપોર્ટેશનમાં મોટી મુશ્કેલી આવી રહી છે, જેને પગલે ડુગળીનાં ભાવ વધે તેવી ધારણાં છે. ડુંગળીમાં એક તરફ લાલ ડુંગળીમાં તેજીના વાત થઈ રહી છે ત્યારે બીજી તરફ સફેદ ડુંગળીના ભાવ પાણી-પાણી થઈ ગયાં છે. મહુવામાં થોડા દિવસો પહેલાં નબળી ક્વોલિટીની સફેદ ડુંગળી રૂ.૨૦ની  મણ એટલે કે એક રૂપિયે વેચાણ થઈ હતી. આમ ખેડૂતોએ મહેનત કરીને ઉગાડેલી ડુંગળીનાં ખેડૂતોને કિલોનો એક રૂપિયો જ મળ્યો. સરકાર દ્વારા ગુજરાતમાં જો નાશીકની જેમ ડુંગળીની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે. લાલ ડુંગળીમાં પણ નાશીકની તુલનાએ ભાવ નીચા ગણાય રહ્યા છે.

કેન્દ્ર સરકારે ટ્વીટરને આડે હાથ લીધું :- કેન્દ્ર સરકારે રજૂ કરેલા નવા IT નિયમોને યોગ્ય રીતે લાગુ નહિ કરવા બદલ સરકારે ટ્વીટરને નોટિસ મોકલી છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. નવા નિયમોને સ્વીકારવાની છેલ્લી તક ટ્વીટરને આપતા સરકારે ચેતવણી આપી છે કે જો તમામ નિયમોનું ચુસ્તપણે પાલન નહિ કરે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. સરકારે પોતાના પત્રમાં 26 મે અને 28 મે 2021 નાં રોજ મોકલેલા પત્રો અને 28 મે અને 2 જૂન 2021 નાં રોજ ટ્વીટર દ્વારા મોકલેલા પત્રનો હવાલો આપીને કહ્યું છે કે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલા જવાબો સંપૂર્ણ પણે સંતોષતા નથી. આની સાથે સરકારે આખરે પોતાના પત્રમાં ટ્વીટરને નવા નિયમો સ્વીકારવાની છેલ્લી તક આપવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં જો ટ્વીટર આ નિયમોનું પાલન કરતું નથી તો તેને IT એક્ટ 2000 ની કલમ તેમજ IT એક્ટ અને અન્ય કાયદા હેઠળ, મધ્યસ્થી તરીકેની છૂટ ગુમાવવી પડશે. ભારત તેની સામે કાર્યવાહી કરી શકે છે.

કોરોના અપડેટ :- રાજ્યમાં કોરોના વાયરસનાં નવા કેસ અને સાથે મુત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે 1000 થી પણ ઓછા કેસ નોંધાયા હતા. આ સાથે 3004 દર્દીઓ સાજા થયા હતા. ગઇકાલે કોરોના નાં નવા 996 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના ને કારણે 15 દર્દીઓના મુત્યુ થયા છે. રાજ્યમાં ગઇકાલે કોરોના થી સાજા થયેલા કુલ 3398 દર્દીઓને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતા. 4 જૂને ગુજરાત રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

રીપીટરોને પરીક્ષાની તૈયારી કરવી કે નહીં :- સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય બાદ ધોરણ 10 અને 12નાં રીપીટર વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઊભો થયો છે. સરકાર દ્વારા તેમની પરીક્ષા રદ કરવામાં આવી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી ભારે મૂંઝવણ ઊભી થઈ છે. ધોરણ 10નાં 3.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 12નાં સામાન્ય પ્રવાહ અને સાયન્સ મળી અંદાજે સવા લાખ કરતાં વધુ રીપીટર વિદ્યાર્થીઓ છે. આ વિધાર્થીઓ મળી કુલ 5 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓ નિર્ણયનાં અભાવે મૂંઝવણમાં મુકાયા છે. વાલી મંડળ દ્વારા અન્ય વિધાર્થીઓની જેમ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે. ઉપરાંત સંચાલકો પણ આ વિધાર્થીઓની ચાલી વર્ષની પરીક્ષા રદ થાય તેની તરફેણમાં છે.

ગુજરાતમાં ચોમાસુ :- હવામાન વિભાગે આગાહી કરી હતી કે દેશમાં ચોમાસુ 3 જૂન સુધીમાં આવી જશે. ત્યારે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ નજીક બામણબોર, બેડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં સાંજથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસ પહેલા જસદણ પંથકમાં પણ મેઘરાજા નુ આગમન થતાં ની સાથે જ વાવણી લાયક વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસુ મોડું બેસવાની વાત  કરી છે. આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરવામાં આવી છે. પ્રિ મોન્સુન એક્ટિવિટી ને પગલે ભરૂચ, તાપી, આહવા, ડાંગ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી સંભાવના દર્શાવાઇ છે. તેમજ ઉત્તર ગુજરાત તરફ વાતવરણ ની અસરને પગલે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.