khissu

ભારતમાં રૂસની સ્પુટનિક વી વેક્સીનને મળી મંજુરી: જાણો સ્પુટનિક વી વેક્સીન ને લઈને મુંઝવતા પ્રશ્નોના જવાબ

દેશમાં કોરોના વાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ ની બીજી લહેર ભયાનક બની છે. તેવામાં કેન્દ્ર સરકારે ગઈ કાલે રૂસ ની વેક્સિન સ્પુટનિક વી (ફાઈવ) ને મજૂરી આપી દીધી છે. સ્પુટનિક વી ને મંજુરી આપવા વાળો ભારત 60મો દેશ બની ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન પછી રસીકરણ ની અંદર થોડા સમયમાં જ સ્પુટનિક વી નો સમાવેશ કરવામાં આવશે. રૂસની આ રસીને મંજુરી મળતા જ લોકોના મનમાં ઘણા બધા સવાલો થઈ રહ્યા છે જેમ કે તેના સાઇડ ઇફેક્ટ, કેટલા ડોઝ આપવામાં આવશે? વગેરે જેવા પ્રશ્નો થઈ રહ્યા છે.

રૂસની આ વેક્સિન સ્પુટનિક વી ને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા ઇમરજન્સી ઉપયોગમાં લેવા માટે મંજુરી મળી ગઈ છે. ડીસીજીઆઈ (DCGI) એ ભારતની એક સંસ્થા છે જે કોઈ પણ દવા અથવા ડ્રગ્સના વપરાશ અને મંજુરી પહેલા સુરક્ષા અને તેની અસર ને લઈને અભ્યાસ કરે છે, (DCGI) ની મંજુરી મળ્યા બાદ જ તેને ભારતમાં મંજુરી આપવામાં આવે છે. કોવીશિલ્ડ અને કોવેક્સિન ને પણ આ સંસ્થાએ જ મંજુરી આપી હતી. સ્પુટનિક વી ને ભારત પહેલા 59 દેશોની મંજુરી મળી ચૂકી છે.

ભારતમાં સ્પુટનિક વી નો ઉપયોગ આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી અથવા મે મહિનાના પહેલા અઠવાડિયા થી શરૂ કરવામાં આવશે. આવતા 6-7 મહિનામાં સ્પુટનિક વી વેક્સિન ના 10 કરોડ ડોઝ ભારતમાં આયાત થશે તેવી ધારણાઓ છે.

કોરોના સામે કેટલી અસરકારક છે સ્પુટનિક વી ?
કોરોના ની સામે સ્પુટનિક વી 91 ટકા અસરદાર વેક્સિન છે. અમેરિકાની ફાઇઝર રસી બાદ દુનિયામાં સૌથી વધુ અસરકારક જો કાઈ વેક્સિન હોય તો તે સ્પુટનિક વી છે. આ વેક્સિનની મંજુરી મળ્યાં પહેલા ભારતમાં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સ્પુટનિક વી ની કોઈ સાઈડ ઈફેક્ટ ખરી ? 
રૂસ ના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરશકો દાવો કરે છે કે સ્પુટનિક વી ની સાઇડ ઇફેક્ટ લગભગ 0.1% છે.

કોરોના ની લડત સામે કેટલા ડોઝની જરૂર ?
સ્પુટનિક વી ના બે ડોઝ આપવામાં આવશે. જેમાં બે ડોઝ વચ્ચે નો સમય 21 દિવસનો રહેશે.