 
                                રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર થઈ છે અને ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને, ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. આવામાં હવામાન વિભાગની 'નાઉ કાસ્ટ' આગાહી સામે આવી છે. જેમાં આજે મંગળવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધીની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે થંડરસ્ટ્રોમની સાથે 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છ
આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. જ્યાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 40 કિલોમીટર પ્રતિકલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં પહેલો વરસાદ જ ધોધમાર વરસતાં ઘણા ભાગોમાં વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં સુધી કે શેરીઓમાં વાહનો પણ તણાતા જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.