khissu

જો જો ચૂકી ન જતા! સરકાર આપી રહી છે સસ્તા દરે સોનું ખરીદવાનો મોકો

સરકાર લોકોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 – સિરીઝ-10નું વેચાણ 28 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ રહ્યું છે. આ સ્કીમ માત્ર પાંચ દિવસ (28 ફેબ્રુઆરીથી 4 માર્ચ) માટે ખુલ્લી રહશે. આ સમય દરમિયાન રોકાણકારોને બજાર કરતાં ઓછા દરે સોનું ખરીદવાની તક મળશે. તમને જણાવી દઈએ કે સરકાર વતી આરબીઆઈ દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત 5,109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે
આરબીઆઈના જણાવ્યા અનુસાર, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની દસમી શ્રેણી માટે ઈશ્યૂ કિંમત 5,109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ અગાઉ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22નો નવમો હપ્તો 10 થી 14 જાન્યુઆરી, 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને આ સમયગાળા દરમિયાન ઇશ્યૂની કિંમત સોનાની પ્રતિ ગ્રામ રૂ. 4,786 હતી.

ઓનલાઈન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે
ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, તેઓએ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ઓનલાઈન પેમેન્ટ કરતા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદવા?
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ગોલ્ડ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE દ્વારા વેચવામાં આવશે. તમને જણાવી દઈએ કે તેનું વેચાણ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાં નથી થતું.

બોન્ડ ખરીદીની મર્યાદા મહત્તમ ચાર કિલોગ્રામ
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. તો બીજી તરફ, ઓછામાં ઓછું એક ગ્રામ રોકાણ હોવું જરૂરી છે. જ્યારે, ટ્રસ્ટ અથવા સમાન એન્ટિટી 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે અરજીઓ ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના ગુણાંકમાં જારી કરવામાં આવે છે.