આજના લોકો સેલ્ફી અને ફોટાના ખૂબ શોખીન થઇ રહ્યા છે. તેથી લોકો ફેમસ થવા માટે અલગ-અલગ લોકેશનો પર જઇને સેલ્ફીઓ લેતા હોય છે. ખાસ કરીને રેલ્વે લાઈનો અને રેલ્વે પ્લેટફોર્મ પર સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. પરંતુ હવે સાવધાન થઇ જજો કેમકે આજ પછી જો રેલ્વે લાઈનો કે રેલ્વે પ્લેટફોર્મ પર સેલ્ફી લેશો તો તમે દંડને પાત્ર થશો ઉપરાંત તમને જેલની સજા પણ થઇ શકે છે. જો હાં મિત્રો, ભારતીય રેલ્વે એ એક જાહેર અપીલ કરીને ભારતના નાગરિકોને ચેતવણી પણ આપી છે.
રેલ્વે લાઇન પર સેલ્ફી લેવી જીવલેણ છે
રેલ્વે મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લોકોને અપીલ કરી છે કે તેઓ રેલ્વે લાઈન અને પ્લેટફોર્મની નજીક સેલ્ફી ન લે કારણ કે તે ખૂબ જ જોખમી છે અને આ દરમિયાન કોઈનો જીવ પણ જઈ શકે છે. રેલ્વે મંત્રાલયે ટ્વીટ કરીને લખ્યું કે, "સાવધાની રાખવામાં શાણપણ છે. રેલવે લાઇન અથવા પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવી જીવલેણ બની શકે છે."
સેલ્ફી લેવાની સજા
તમને જણાવી દઈએ કે રેલ્વે લાઈન અને પ્લેટફોર્મ પાસે સેલ્ફી લેવી કાયદેસર ગુનો છે. ભારતીય રેલ્વે આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે છે. રેલ્વે લાઇન અને પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવી એ રેલ્વે એક્ટ 1989ની કલમ 145 અને 147 હેઠળ સજાપાત્ર ગુનો છે. આમ કરવાથી 1,000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની કેદ અથવા બંને (દંડ અને જેલ) થઈ શકે છે.
રેલવે મંત્રાલયે કર્યુ ટ્વિટ
રેલ્વે મંત્રાલયે પોતાના ટ્વીટમાં કાયદો તોડવા અને સજા વિશે પણ જણાવ્યું છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, "રેલવે લાઇન અથવા પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવા પર 1000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ થઈ શકે છે." જો કે, આવી સેલ્ફી લેવી એ માત્ર દંડ અને જેલની બાબત નથી, તે તમારા જીવનની સુરક્ષા માટે એક મોટું જોખમ છે.