ગુજરાતના ૨૯ શહેરોમાં ૫ મે સુધી રાત્રિ કરફ્યૂ લાગ્યો હતો જેની અવધિ આવતીકાલે પુરી થવા જઈ રહી છે તે બાબતને લઈને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીએ બેઠક યોજી હતી જેમાં હવે ૩૬ શહેરોમાં ૬મી મે થી ૧૨ મે સુધી નવા નિયંત્રણો સાથે રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જોકે બેઠકમાં લેવાયેલા નવા નિયંત્રણો નીચે મુજબ છે.
- અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો રહેશે.
- ૬ મે ૨૦૨૧ થી ૧ર મે ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.
- આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જેમાં અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
- ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
- ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.
- નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
- આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે.
- સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિઝિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. આ ઉપરાંત અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે.
- તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
- પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
- તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
- પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.