khissu

પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે ખુશીના સમાચાર, શરૂ થઈ આ મોટી સુવિધા, તમે પણ જાણી લો શું છે ખાસ?

જો તમારું એકાઉન્ટ પણ પોસ્ટ ઓફિસમાં છે, તો તમારા માટે આ ખૂબ જ મહત્વના ન્યૂઝ છે. વાત કંઇક એવી છે કે, હવે પોસ્ટ ઓફિસમાં ખાતાધારકો ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશે. વિભાગ દ્વારા 17 મેના રોજ જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા NEFT અને RTGSની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

સુવિધાની શરૂઆત
પરિપત્રના આધારે NEFTની સુવિધા 18 મેથી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, RTGSની સુવિધા આગામી 31 મે 2022થી ઉપલબ્ધ થશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પૈસા મોકલવાનું પહેલા કરતા વધુ સરળ બનશે. પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે RTGSની સુવિધા અંગે ટ્રાયલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ સુવિધા 31 મે 2022થી શરૂ થશે.

શું છે NEFT અને RTGS?
NEFT અને RTGS દ્વારા, તમે તમારા ખાતામાંથી કોઈપણ ખાતામાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકો છો. પૈસા ટ્રાન્સફર કરવાની આ એક ઝડપી પ્રક્રિયા છે. NEFT માં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે RTGS માં, એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવા પડે છે. NEFT કરતાં RTGSમાં નાણાં વધુ ઝડપથી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ 24×7×365 હશે.

ચાર્જ લેવામાં આવશે
10,000 રૂપિયા સુધીના NEFT માટે તમારે 2.50 રૂપિયા + GST ​​ચૂકવવો પડશે. 10 હજારથી એક લાખ રૂપિયા માટે આ ચાર્જ વધીને 5 રૂપિયા + GST ​​થઈ ગયો છે. આ સિવાય 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની રકમ માટે 15 રૂપિયા + GST ​​અને 2 લાખથી વધુની રકમ માટે 25 રૂપિયા + GST ​​ચૂકવવા પડશે.