પેરાસિટામોલ સહિત આ 16 દવાઓ લેવા હવે નહિં જરૂર પડે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની, જાણો કઇ કઇ છે આ દવાઓ

પેરાસિટામોલ સહિત આ 16 દવાઓ લેવા હવે નહિં જરૂર પડે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની, જાણો કઇ કઇ છે આ દવાઓ

ઘણીવાર, મોટાભાગના લોકો તાવ, શરીરના દુખાવા વગેરેને નિયંત્રિત કરવા માટે પેરાસિટામોલ લે છે. તેનાથી દુખાવામાં પણ રાહત મળે છે. આ એક એવી દવા છે જેના માટે તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા એ હતી કે મેડિકલ સ્ટોરમાંથી મેળવવા માટે તમારે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવવું પડતું હતું. આ જટિલતાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના વધુ ઉપયોગ અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, સરકાર હવે પેરાસિટામોલ અને સામાન્ય ઉપયોગની 15 અન્ય દવાઓને OTC સૂચિમાં મૂકવા જઈ રહી છે. OTC નો અર્થ ઓવર ધ કાઉન્ટર થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે આ દવાઓ લેવા માટે તમારે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન બતાવવાની જરૂર નહીં પડે.

ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું 
રિપોર્ટ અનુસાર, આરોગ્ય મંત્રાલય દ્વારા ડ્રગ રૂલ્સ 1945માં સુધારો કરવા માટે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેથી આ 16 દવાઓને એક્ટના શેડ્યૂલ Kમાં સામેલ કરી શકાય. આ ફેરફાર બાદ હવે રિટેલર્સ આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકશે. સામાન્ય ઉપયોગની દવાઓ દરેકને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

કેટલીક શરતો પૂરી કરવી પડશે
અત્રે એ જાણવું જરૂરી છે કે પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાઓનું વેચાણ અમુક શરતો સાથે જ આપવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, આ દવાઓના કિસ્સામાં, સારવાર અથવા ઉપયોગની મહત્તમ અવધિ 5 દિવસથી વધુ ન હોવી જોઈએ. જો દર્દીને 5 દિવસમાં રાહત ન લાગે, તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે તમામ હિતધારકો પાસેથી એક મહિનામાં સૂચનો માંગ્યા છે.

આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ થશે
પ્રિસ્ક્રિપ્શન વગર ઉપલબ્ધ દવાઓ જેવી કે, પેરાસીટામોલ, ડીક્લોફેનાક (diclofenac), બંધ નાક ખોલવાની દવા ડીકોન્જેસ્ટન્ટ્સ (nasal decongestants), એન્ટિ-એલર્જિક(anti-allergics) દવાઓ, એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટેડ એજન્ટ, જીન્ગિવાઇટિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા માઉથવોશ ક્લોરોહેક્સિડાઇન(Chlorohexidine), ઉધરસની સારવાર માટે ડેક્સ્ટ્રોમેથોર્ફાન હાઇડ્રોબ્રોમાઇડ લોઝેન્જેસ (Dextromethorphan Hydrobromide Lozenges), એન્ટિ બેક્ટિરિયલ એક્ને ફોર્મ્યુલેશન, એન્ટિ-ફંગલ ક્રીમ, એન્ટિ-કફ, એનાલજેસિક ક્રીમ ફોર્મ્યુલેશન અને એન્ટિ-એલર્જિક કેપ્સ્યુલ્સ.