મોદી સરકારનું દસમું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. કોરોના મહામારીના કારણે આર્થિક મંદી બાદ લોકોને આ બજેટથી ઘણી આશાઓ છે. આ બજેટની તૈયારી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. તમે જાણતા જ હશો કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે, પરંતુ શું તમે જાણો છો કે આ બજેટ બનાવનારી તેમની કોર ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1. ડો.ટીવી સોમનાથન: ડો. ટીવી સોમનાથન તમિલનાડુ કેડરના 1987ના IAS અધિકારી છે. તેઓ 2015માં વડાપ્રધાન કાર્યાલયમાં જોઈન્ટ સેક્રેટરીનું પદ સંભાળી ચુક્યા છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં ખર્ચ સચિવ છે. તેઓ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની બજેટ 2022 ટીમનો મુખ્ય ચહેરો પણ છે. સોમનાથને કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે.
2.દેબાશીશ પાંડા: દેબાશિષ પાંડા ઉત્તર પ્રદેશ કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તેમણે સાર્વજનિક નાણાકીય સંસ્થાઓમાં સુધારા અંગે ઘણું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગમાં નાણાં સચિવ છે. આગામી બજેટમાં પણ તેમની ભૂમિકા ખૂબ મહત્વની હોવાનું કહેવાય છે.
3.તરુણ બજાજ: તરુણ બજાજ હરિયાણા કેડરના 1988 બેચના IAS અધિકારી છે. નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. તેમણે કોરોનાના પહેલી લહેર દરમિયાન નાણાં મંત્રાલયમાં જવાબદારી સંભાળી હતી. તે ટીમના વડા પણ હતા જેણે આત્મનિર્ભર ભારત માટે રાહત પેકેજની યોજનાને આકાર આપ્યો હતો. જોવાનું રહેશે કે આ વખતના બજેટમાં તે સામાન્ય જનતાને કેટલી રાહત આપે છે.
4.તુહિન કાન્ત પાંડે: તુહિન કાંતા પાંડે ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તેમણે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પૂરા કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તુહિન કાંત પાંડે પણ આ વર્ષે LIC IPO લાવવા માટે જવાબદાર છે. હવે જોવાનું એ રહેશે કે આ બજેટમાં તેના કયા પ્રોજેક્ટનો સમાવેશ થશે.
5.અજય શેઠ: અજય શેઠ કર્ણાટક કેડરના IAS અધિકારી છે. તેમને ગયા વર્ષે આર્થિક બાબતોના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ કર્ણાટકમાં ટેક્સ, બજેટ અને રિસોર્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ બજેટમાં તેમની પાસે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે. તેઓ નિર્મલા સીતારમણના તમામ બજેટ ભાષણોનો મુસદ્દો તૈયાર કરવાનો હવાલો સંભાળે છે.