khissu

નવા વર્ષના પહેલા અઠવાડિયે ત્રણ આગાહી: અંબાલાલ પટેલ, પરેશ ભાઈ ગૌસ્વામી અને હવામાન ખાતું

 રાજ્યમાં આ વખતનો ડિસેમ્બર છેલ્લાં કેટલાક વર્ષોની સરખામણીમાં શુષ્ક અને ગરમીવાળો રહ્યો છે. આ વખતે હજી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવ્યો જ નથી. આજથી નવું કેલેન્ડર વર્ષ શરૂ થઇ ગયું છે. તો જાણીએ નવા વર્ષના પહેલા સપ્તાહમાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે. આ દિવસોમાં ઠંડી પડશે કે માવઠું હેરાન કરશે. જાણો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહીઓ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અરબ સાગરમાં એક હલચલ થઇ છે. જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને 3થી 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિંદ મહાસાગર પર એક મજબુત સિસ્ટમ બની રહી છે. તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 6થી 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બે સિસ્ટમ મર્જ થતા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થઇ શકવાની પણ શક્યતા છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, પહેલી અને બીજી જાન્યુઆરી સુધી ઝાકળ વરસાદ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઝાકળ વર્ષા જ્યાં થશે ત્યાં ભારે ધૂમ્મસ જોવા મળી શકે છે.