khissu

આજના 12 મોટાં સમાચાર: ઓફલાઈન પેમેન્ટ, SBI, કર્મચારીઓ, ખાતર, ટ્રેન ભોજન, વેક્સિન, ખેડૂત ન્યૂઝ વગેરે

IMPS ચાર્જમાં વધારો:  SBI એ 1 ફેબ્રુઆરી, 2022થી IMPS ટ્રાન્જેક્શન માટે 2 લાખથી 5 લાખ રૂપિયાનો નવો સ્લેબ જોડ્યો છે. IMPS દ્વારા રૂ. 2 લાખથી રૂ. 5 લાખની વચ્ચે પૈસા મોકલવા પર 20 રૂપિયા + GST ​લાગશે. IMPS ને ઇમિડિએટ મોબાઇલ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. IMPS એ બેંકો દ્વારા આપવામાં આવતી લોકપ્રિય પેમેન્ટ સર્વિસ છે, જે રીઅલ-ટાઇમ ઇન્ટર-બેંક ફંડ ટ્રાન્સફરની મંજૂરી આપે છે, રવિવાર અને રજાઓ સહિત 24 X 7 ઉપલબ્ધ છે.

હવે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન થશે: ભારતમાં ઘણા ગામો અને વિસ્તારો એવા પણ છે. જ્યાં આજે પણ ઇન્ટરનેટની સુવિધા નથી ત્યારે ગામડાઓ અને નગરોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ સોમવારે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે એક રૂપરેખા જારી કરી છે. આમાં દરેક ટ્રાન્ઝેક્શનની મર્યાદા 200 રૂપિયા હશે. મહત્તમ 10 ટ્રાન્ઝેક્શન એટલે કે કુલ 2,000 રૂપિયા સુધીના ઓફલાઇન ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી હશે.

પુરાવા વગર બાળકોને વેક્સિનેશન: રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલે બાળકોના વેક્સીનેશન અંગે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા હાથ ધરી હતી. તેમણે કહ્યું હતું કે બાળકો માટે ઓન ધ સાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. પુરાવા ન હોય તો બાળકના માતા-પિતા, મિત્ર કે સ્કૂલના શિક્ષક કે આચાર્યના મોબાઇલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરીને બાળકોને વેક્સીનનો ડોઝ આપવાનો રહેશે.

ખાતરની કિંમતમાં વધારો: 1 જાન્યુઆરીથી NPK ખાતરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યારે હવે NPK ખાતરની કિંમત 1700 રૂપિયાએ પહોંચી ગઈ છે. શેરડી અને રોકડિયા પાક પકવતા ખેડૂતોના માટે આ વધારાનો ખર્ચ આવતા ખેડૂત સમાજ દ્વારા પોટાશ અને NPK ખાતરની સબસીડી વધારવા માંગ કરવામાં આવી છે.

ટ્રેનમાં ભોજનને મંજૂરી: કોરોનાકાળમાં ટ્રેનમાં ભોજન બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે હવે IRCTCએ કહ્યું છે કે હવે મુસાફરો પહેલાની જેમ ટ્રેનમાં તેમના મનપસંદ ભોજનનો આનંદ લઈ શકશે. તમને જણાવી દઈએ કે IRCTC એપ્લિકેશન દ્વારા, મુસાફરો ટ્રેનમાં બેસીને મોબાઇલ એપ્લિકેશનની મદદથી તેમની મનપસંદ રેસ્ટોરાં અને ફૂડ આઉટલેટ બુક કરી શકે છે. આ પછી, તે આઉટલેટ તમારી સીટ પર ભોજન પહોંચાડે છે.

બાયોમેટ્રિક હાજરી પ્રતિબંધ: દેશના કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી બંધ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરી જણાવ્યું છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરીને આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. આ નિર્ણય સરકારી કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતમાં લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના રાફડો: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1259 નવા કોરોના કેસ નોંધાઈ ગયા અને માત્ર 151 દર્દી રિકવર થયાં છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 5858 છે. ત્યારે ગઈકાલે રાજ્યમાં 3 દર્દીના કોરોનાથી મોત પણ થયા છે.

કર્મચારીઓને 2 લાખ મળશે: કેન્દ્ર સરકારના 32 લાખથી વધુ કર્મચારીઓને જલ્દી જ નવા વર્ષની ભેટ મળવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સરકાર આ મહિને મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવી શકે છે. કેન્દ્ર સરકાર છેલ્લા 18 મહિનાની અટવાયેલી DAની બાકી રકમ એકસાથે ચૂકવવાની તૈયારીમાં છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓને આગામી દિવસોમાં એક સાથે 2 લાખથી વધુની તગડી રકમ મળી શકે છે.

PSI-LRDની ભરતી પ્રક્રિયા રદ: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી PSI-LRD ની શારિરીક પરીક્ષા રદ કરવામાં આવી છે એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ પરીક્ષા માટેની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન શારિરીક પરીક્ષા યોજાશે.

40% દિવ્યાંગ બાળકને શિષ્યવૃત્તિ: રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ દિવ્યાંગ બાળકો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃતિનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જે બાળકો 40 ટકા જેટલા દિવ્યાંગ હશે, તેમને પણ સરકાર તરફથી શિષ્યવૃતિનો લાભ મળશે. અત્યાર સુધી જે વિદ્યાર્થી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ શિષ્યવૃતિનો લાભ મળતો હતો. 

નવી વીજ ટ્રાન્સમિશન લાઈનો: રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ નવીન ટ્રાન્સમિશન લાઈનો અને ટાવર ઉભા કરવા તેમજ પાક અને ફળાઉ ઝાડને નુકસાન માટે વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રાન્સમિશન લાઈનો નાખવા બદલ જમીન માલિકોને 7.5% ના બદલે ડબલ એટલે કે 15% વળતર આપવામાં આવશે.

રાજ્યમાં બાળકોને વેક્સિનેશન: 15થી 18 વર્ષના 35 લાખ બાળકોને રસી આપવાની શરૂઆત સોમવારે કરાઇ હતી. જેના પહેલા જ દિવસે 5.50 લાખથી વધારે બાળકોને પ્રથમ ડોઝ અપાયો છે. CM પટેલે બાળકોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની કોબાવાલા હાઈસ્કૂલથી પ્રારંભ કરાવ્યો હતો તો 7 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોને આવરી લેવાશે.