ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ: આગામી 28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષાઓ માટે રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓના ફોર્મ અને ફી ભરવામાં આવી હતી. વિદ્યાર્થીના ફોર્મ અને ફી ભરવાની મુદત પૂરી થઈ ગઈ છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે. જેથી ગુજરાત બોર્ડ દ્વારા આ મુદત 16 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. તેની સાથે-સાથે ઉનાળુ વેકેશન પાછું ખસેડવામાં આવ્યું છે.
આધારકાર્ડ વિના વેક્સિન અપાશે: હવે કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડની કોઈ જરૂર નથી. લોકોને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી છે કે, હવેથી કોરોના વેક્સિન લેવા માટે આધારકાર્ડની કોઈ જરૂર નથી. એટલેકે બીજા દસ્તાવેજો રજૂ કરીને પણ કોરોના વેક્સિન લઈ શકાશે. જેમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, વોટર આઇડી, રેશનકાર્ડ વગેરે રજૂ કરીને પણ કોરોના વેક્સિન લઈ શકાય છે.
સ્માર્ટફોન યોજનાની સહાય વધારી: ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનાની સહાયમાં ગુજરાત સરકારે ધરખમ વધારો કરી નાંખ્યો. અગાઉ ખેડૂતોને ફોનની કિંમતના 10% સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂતો 15 હજાર સુધીનો સ્માર્ટફોન ખરીદી શકે છે. 15 હજારનો સ્માર્ટફોન ખરીદવા પર 1500 રૂપિયાની સહાય મળતી હતી. પરંતુ હવે ગુજરાત સરકારે 10 ટકાની બદલે 40 ટકા સહાય આપવાની જાહેરાત કરી દીધી છે. તેથી 15 હજારના સ્માર્ટફોન ખરીદવા પર હવે 6 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.
ઓફિસોમાં હવે 100% હાજરી: વર્ક ફ્રોમ હોમને લઈને કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કોરોના કેસોની સાથે ચેપના દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમવારથી ઓફિસમાં સંપૂર્ણ હાજરી પુનઃસ્થાપિત કરવામાં આવશે. જેથી કર્મચારીઓએ કોઈપણ છૂટછાટ વિના 7 ફેબ્રુઆરીથી નિયમિત ધોરણે ઓફિસમાં હાજર રહેવું પડશે.
મિશન ઇન્દ્રધનુષ 4.0 પ્રારંભ: ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ 4.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 7 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 4 એપ્રિલ એમ 3 તબક્કામાં કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઈ આરોગ્યને લગતી વિવિધ રસીઓ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી , રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે.
હવે સિંગલ ડોઝ વાળી વેક્સિન આવી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ સિંગલ ડોઝ રસી સ્પુતનિક લાઇટના ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે. સ્પુતનિક લાઇટ રશિયાની વેક્સિન છે. સ્પુતનિક લાઈટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સિંગલ ડોઝવાળી વેક્સિન છે અને તે ફક્ત એક વાર લેવી પડશે અને તેનાથી કોરોનાની સામે રક્ષણ મળી જશે. કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશને વધુ એક નવું હથિયાર મળી ગયું છે.