khissu

આજના 6 મોટા સમાચાર: ધો.10,12 બોર્ડ પરીક્ષા, સુરત ફ્લાઇટ, PM કિસાન હપ્તો, ઓમિક્રોન, આધારકાર્ડ, PF ધારકો વગેરે

ધો.10,12 બોર્ડની પરીક્ષા: રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષાઓ બે સપ્તાહ સુધી પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10, 12ની 14 માર્ચે યોજાનાર બોર્ડની પરીક્ષા હવે 28 માર્ચના રોજ લેવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન 9 મે, 2022થી 12 જૂન,2022 સુધી ચાલશે અને 13 મૅથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

સુરતથી 4 શહેરોની ફ્લાઇટ શરૂ: સુરતથી અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરની ફ્લાઈટ 1 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે માહિતી આપી છે. અગાઉ સુરતથી અમરેલી કે ભાવનગર જવું હોય તો 4થી 7 કલાકનો સમય લાગતો હતો જે હવે માત્ર 1 કલાકમાં સમયમાં પહોંચી જવાશે.

PM કિસાન 10મો હપ્તો તારીખ: PM નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2020ના દિવસે 12 વાગ્યે PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરશે. આ યોજના હેઠળ અંદાજે 12 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયા મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં તમે pmindiawebcast.nic.in અથવા દૂરદર્શનના માધ્યમથી જોડાઈ શકો છો.

અમદાવાદમાં ઓમિક્રોન હાહાકાર: અમદાવાદમાં ઓમિક્રોન વેરિયન્ટના એકસાથે વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં ત્રણ મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ પાંચેય લોકો વિદેશથી આવેલા છે. હાલ શહેરમાં 7 દર્દી જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

PF ખાતા ધારકો માટે છેલ્લી તારીખ: પીએફ ખાતાધારકો માટે, સમયમર્યાદા 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO ​​એ તમામ પીએફ ખાતાધારકો માટે નોમિની ઉમેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો આ કામ 31 ડિસેમ્બર 2021 સુધીમાં કરવામાં નહીં, આવે તો પીએફ ખાતાધારકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નવજાત શિશુના આધારકાર્ડ બનશે: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને આધાર કાર્ડ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે હોસ્પિટલોને ટૂંક સમયમાં જ આધાર એનરોલમેન્ટની સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા તેઓ તરત જ નવજાત બાળકોનું આધાર કાર્ડ બનાવશે.