PM કિસાન 10મો હપ્તો તારીખ: PM નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના દિવસે વિડીયો કોંફરન્સ દ્વારા 12:30 વાગ્યે PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરશે. આ યોજના હેઠળ અંદાજે 12 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયા મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં તમે pmindiawebcast.nic.in અથવા દૂરદર્શનના માધ્યમથી જોડાઈ શકો છો.
ખાદ્યતેલના ભાવમાં વધારો: દિવસે ને દિવસે ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 35નો વધારો થયો છે. જોકે ગઈકાલે માત્ર 5 રૂપિયા ઘટ્યા હતા. એટલે કે ત્રણ દિવસમાં 30 રૂપિયા સિંગતેલ મોંઘુ થયું છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવ છેલ્લા 4 દિવસમાં 40 રૂપિયા વધ્યા છે. હવે કપાસિયા તેલનો ભાવ વધીને 2090 થયો છે.
નવા શ્રમ કાયદા લાગુ થશે: નવા વર્ષમાં કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવા જઈ રહી છે. આ નવા વેતન કોડ હેઠળ કામના કલાકો 12 કરવામાં આવશે અને સપ્તાહમાં 3 દિવસ રજા રહેશે. પરંતુ તમારા હાથમાં આવતો પગાર ઓછો થઈ જશે. આનો અમલ 1 એપ્રિલથી થવાનો હતો, જુલાઈમાં તેને લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારબાદ 1 ઓક્ટોબરથી તેને લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ: આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોવિડ રસીકરણ આપવાની સરકારની જાહેરાતને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ વયમર્યાદાની અંદર શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરાયો છે . સુરતની તમામ શાળાઓના 15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવશે.
પ્રિકોઝન ડોઝ ફેરફાર: કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, હવે પ્રિકોશન ડોઝ લેવા કોઈ પ્રમાણપત્ર બતાવવાની જરૂર નથી. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે, કોમોર્બિડિટી વાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ લેવા કોમોર્બિડિટી પ્રમાણપત્ર બતાવવું પડશે. જે ડોક્ટર દ્વારા જાહેર કરાશે. જોકે હવે આરોગ્ય મંત્રાલય કહ્યું કે, આવા લોકોને બુસ્ટર ડોઝ લેવા સમયે આવું કોઈ પ્રમાણપત્ર બતાવવાની જરૂર નથી.
હવામાન વિભાગ આગાહી: રાજ્યમાં પડેલાં માવઠા બાદ બુધવારે ઠંડા પવનોનું જોર વધ્યું હતું. દિવસ દરમિયાન ચાલુ રહેલા 10 કિમી ઝડપના ઠંડા પવનોની અસરથી રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 11 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 11.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી પડી હતી, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો થશે.
ગુજરાતમાં કોરોના રાફડો: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં 6 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 548 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન 1 દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે. એક જ દિવસમાં 500ને આંકડો વટાવી જતાં લોકોમાં હાહાકાર મચી ગયો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે: નવુ વર્ષ 2022 કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભેટ લઈને આવી શકે છે. જાણકારી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલરી 18 હજારને બદલે 26 હજાર રૂપિયા થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થઇ શકે છે. જો મોદી સરકાર ફીટમેન્ટ ફેક્ટર વધારશે તો કર્મચારીઓનું લઘુતમ વેતન 26 હજાર થઈ શકે છે.