ચૂંટણી સુધારા બિલ: લોકસભામાં ગઈકાલે ચૂંટણી સુધારા બિલ 2021 પસાર થઈ ગયું છે. આ બિલમાં ચુંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની જોગવાઈ છે, પરંતુ તે ફરજીયાત નથી. આ ઉપરાંત વર્ષમાં માત્ર 1 જાન્યુઆરીએ થતી મતદાર નોંધણીને બદલીને હવે 4 તારીખ નક્કી કરાઇ છે. જેમાં 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર નો સમાવેશ થાય છે. હવે નવા મતદાર નોંધણી માટે એક વર્ષની રાહ જોવી નહીં પડે.
નવજાત શિશુના આધારકાર્ડ બનશે: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને આધાર કાર્ડ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે હોસ્પિટલોને ટૂંક સમયમાં જ આધાર એનરોલમેન્ટની સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા તેઓ તરત જ નવજાત બાળકોનું આધાર કાર્ડ બનાવશે.
HDFC બેન્ક નિયમમાં ફેરફાર: HDFC બેન્ક 1 જાન્યુઆરી, 2022થી જરૂરી ફેરફારો કરશે. જેમાં 1 જાન્યુઆરી 2022થી કાર્ડ સેવ કરવાની સિસ્ટમ ખતમ થઈ જશે. તેમજ, વેપારીની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર પહેલેથી સાચવેલ કાર્ડ વિગતો કાઢી નાખવામાં આવશે. RBIના નિર્ણયથી HDFC બેન્ક આ ફેરફારો કરવા જઈ રહી છે.
RBIનો નિર્ણય: રિઝર્વ બેંકે Visa, Mastercard અને Rupay ને કાર્ડ જારી કરનાર બેંક અથવા કંપની વતી ટોકન આપવાની મંજૂરી આપી છે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવી રહ્યું છે. આ રીતે ગ્રાહકના કાર્ડની વાસ્તવિક વિગતો મર્ચન્ટ પાસે સ્ટોર નહીં થાય, જેનાથી ડેટા ચોરી અને છેતરપિંડીના બનાવો અટકશે.
ઓનલાઈન ફૂડ ઓર્ડર મોંઘું: ફૂડ ડિલિવરી એપ્સની સેવાઓને GSTના દાયરામાં લાવવા માટે 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2022થી કેન્દ્ર સરકાર દ્વારા Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.
IPPB નવો નિયમ: IPPBમાં પૈસા જમા કે ઉપડવા માટે 1 જાન્યુઆરીથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. સેવિંગ અને કરંટ અકાઉન્ટમાં એક મહિનામાં ચાર વખત પૈસા ઉપડવાનું મફત છે. તે પછી પૈસા ઉપાડવા પર 25 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કે આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.
મોંઘવારી ભથ્થું: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં ફરીથી સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. જાન્યુઆરી 2022માં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે, જેના કારણે કર્મચારીઓનો પગાર ફરી વધશે. જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં આવ્યું નથી. AICPI ઇન્ડેક્સના ડેટા અનુસાર, 3% DA વધવાની ધારણા છે.
ડિઝલ વાહનો રદ: દિલ્હી સરકાર 1 જાન્યુઆરીથી 10 વર્ષથી વધુ સમય પૂર્ણ કરનારા તમામ ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવા જઈ રહી છે. જે ડીઝલ વાહનો 15 વર્ષ કે તેથી વધુ પુરા કરી ચૂક્યા છે તેમને કોઈપણ સંજોગોમાં NOC આપવામાં આવશે નહીં. માલિકો તેમના 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલી શકે છે.
રાત્રિ કરફ્યૂ નિર્ણય: રાત્રિ કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનના પણ 10થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાતના 8 મહાનગરપાલિકામાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે.