khissu

આજના 10 મોટાં સમાચાર: વાહન ઈ-મેમો, હવાઈ સેવા, માવઠું, ઓમિક્રોન, પાનકાર્ડ, આધારકાર્ડ, એકમ કસોટી વગેરે

કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે: વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટને કારણે બંધ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવનાર છે. રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા ગાંધીનગર ખાતે DRDO દ્વારા તૈયાર કરાયેલી 900 બેડની હોસ્પિટલને 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

ચાલું વાહને ઈ-મેમો ફાટશે: દેશના તમામ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS)થી સજ્જ થવા જઈ રહ્યા છે. સાથે જ આ સિસ્ટમ દ્વારા ચાલતા વાહનની નંબર પ્લેટથી લઈને વાહનની અંદર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવ્યો છે કે નહીં તેની પણ માહિતી મેળવી શકાશે. ચાલતા વાહનના નંબર દ્વારા, સરળતાથી જાણી શકાય છે કે વાહનનો વીમો, તેની આરસી, સીએનજી કીટ પરીક્ષણ પ્રમાણપત્ર માન્ય છે કે નહીં.

પેન્શન વધારો: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. તેના માટે સરકારની તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિનિમમ પેન્શનને વધારી શકાય છે. રિટાયર્ડ કર્મચારી માટે મિનિમમ પેન્શન 1,000 રૂપિયાથી વધવાની માંગ સતત કરવામાં આવી રહી છે. હવે ન્યૂનતમ માસિક પેન્શન 1 હજાર રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવી શકે છે.

હવે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન થશે: ભારતમાં ઘણા ગામો અને વિસ્તારો એવા પણ છે. જ્યાં આજે પણ ઇન્ટરનેટની સુવિધા નથી ત્યારે ગામડાઓ અને નગરોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ સોમવારે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે એક રૂપરેખા જારી કરી છે. આમાં દરેક ટ્રાન્ઝેક્શનની મર્યાદા 200 રૂપિયા હશે. મહત્તમ 10 ટ્રાન્ઝેક્શન એટલે કે કુલ 2,000 રૂપિયા સુધીના ઓફલાઇન ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી હશે.

સુરતથી હવાઈ સેવા શરૂ: સુરતને અન્ય શહેરો સાથે જોડતી હવાઈ સેવાનો 1 જાન્યુઆરીથી સુરત એરપોર્ટથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ હવાઈ સેવા સુરતથી અમરેલી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર વચ્ચે દરરોજ કાર્યરત રહેશે. તેમાં 9 પેસેન્જર અને 2 પાયલોટ સાથે ઉડાન ભરશે અને સેક્ટર પ્રમાણે ઉડાન ભરશે.

ગુજરાતમાં માવઠું: ગુજરાતમાં ફરી એક વાર માવઠાનું સંકટ છવાયું છે. આવતીકાલે 6 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલીમાં વરસાદ થવાની આગાહી છે. 7 જાન્યુઆરીએ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં માવઠાની આગાહી છે.

ઓમિક્રોનની નવી કીટ: કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે ICMRએ મોટો નિર્ણય લીધો છે. ICMRએ પ્રથમ ઓમિક્રોન ડિટેક્શન કિટને મંજૂરી આપી દીધી છે. આ કીટ ટાટા મેડિકલે તૈયાર કરી છે અને તેનું નામ Omisure છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનને શોધવા માટે અન્ય કિટનો ઉપયોગ કરાતો હતો. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે, તેનું નામ TATA MD CHECK RT-PCR OmiSure છે.

ગુજરાતમાં કોરોના ડબલ: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 2262 કોરોના કેસ નોંધાયા છે અને માત્ર 240 દર્દી રિકવર થયા છે. ગઈકાલે કોરના કેસનો આંકડો 1 હજારે પહોંચ્યો હતો જે લગભગ ડબલ થઈ 2 હજારને પણ વટાવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી 2 દર્દીના મોત પણ થયા છે.

પાનકાર્ડ-આધારકાર્ડ લિંક: પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 રાખવામાં આવી છે. જો તમારી પાસે પાનકાર્ડ હોય તો તરત જ તેને આધારકાર્ડ સાથે લિંક કરાવી લેજો. 31 માર્ચ 2022 પહેલા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહિં કરો તો તમારું પાનકાર્ડ અમાન્ય થઈ જશે, સાથે જ 1 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.

ગુજરાતમાં એકમ કસોટી રદ: ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેને કારણે તમામ સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત રાખવામાં આવી છે. તથા 7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. અને હવે આ પરીક્ષા માટેનો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.