હાલમાં મોંઘવારી એ મોટો પ્રશ્ન બનીને ઉભી છે. પેટ્રોલ હોય કે ડીઝલ હોય, ખાવાની વસ્તુ હોય કે ગેસ હોય, દરેક વસ્તુમાં હવે મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે હવે આમ જનતા માટે વધારે એક ભાર સહન કરવાનો આવી રહ્યો છે. કારણ કે હવે મનોરંજન પણ મોંઘુ થવા જઈ રહ્યું છે. થોડો ઘણો નહીં પરંતુ 50 ટકા સુધીનો વધારો થઇ શકે છે, તો આવો વિગતે વાત કરીએ આ નવી મોંઘવારીની....
હાલમાં મનોરંજન માટે ટેલિવીઝનને સૌથી સારુ ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ ટીવી ચેનલ જોવા માટે દર મહિને આપણે ખર્ચ કરવો પડે છે. પરંતુ હવે ચિંતાની વાત હવે છે કે તે ખર્ચમાં વધારો થઇ રહ્યો છે અને એ પણ 50 ટકા સુધીનો વધારો. આ ભાવ વધારો આગામી ડિસેમ્બર માસથી લાગુ થાય તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે. એટલે કે દિવાળી પછી તમારા ખિસ્સાનો ભાર વધશે એવું ધારીને ચાલવાનું.
પ્રાપ્ય વિગતો અનુસાર પહેલી ડિસેમ્બરથી ટીવી ચેનલોના બિલ વધવા જઈ રહ્યા છે. દેશના અગ્રણી બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ ઝી, સ્ટાર, સોની અને વાયકોમ 18 એ કેટલીક ચેનલોને તેમના બુકેમાંથી બાકાત રાખી છે, જેના કારણે ટીવી દર્શકોને 50% સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નવા ટેરિફ ઓર્ડરના અમલીકરણને કારણે આ કિંમતો વધી રહી છે. માર્ચ 2017 માં TRAI એ ટીવી ચેનલોની કિંમતો અંગે નવો ટેરિફ ઓર્ડર (NTO) જારી કર્યો હતો. તે પછી 1 જાન્યુઆરી, 2020 ના રોજ NTO 2.0 બહાર પાડવામાં આવ્યું. આને કારણે, તમામ નેટવર્ક્સ એનટીઓ 2.0 મુજબ તેમની ચેનલોના ભાવમાં ફેરફાર કરી રહ્યા છે.
જો ચેનલ પ્રમાણે ભાવની વાત કરવામાં આવે તો સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની અને કેટલીક પ્રાદેશિક ચેનલો જેવી લોકપ્રિય ચેનલો જોવા માટે દર્શકોને 35 થી 50 ટકા વધુ ચૂકવવા પડશે. નવી કિંમતો પર સરવાળે નજર નાખીને, જો કોઈ દર્શક દર મહિને 49 રૂપિયાને બદલે સ્ટાર અને ડિઝની ઈન્ડિયા ચેનલો જોવાનું ચાલુ રાખવા માંગે છે, તો તે જ સંખ્યાની ચેનલો માટે 69 રૂપિયા ખર્ચ થશે. સોની માટે, તેને 39 ને બદલે દર મહિને 71 રૂપિયા ખર્ચવા પડશે. ZEE માટે 39 રૂપિયાને બદલે મહિને 49 રૂપિયા અને વાયાકોમ 18 ચેનલો માટે 25 રૂપિયાને બદલે 39 રૂપિયા પ્રતિ મહિનાનો ખર્ચ થશે.