કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, દેશમાં નકલી મતદાનને રોકવા માટે સરકાર 'વન નેશન, વન વોટર લિસ્ટ' અને ઓનલાઈન વોટિંગ પર વિચાર કરી રહી છે. આ સિસ્ટમ વિચારણા હેઠળ છે. રિજિજુએ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સભ્યોના પૂરક પ્રશ્નોના જવાબ આપતાં આ વાત કહી હતી.
ભાજપના અજય નિષાદના પૂરક પ્રશ્નના જવાબમાં રિજિજુએ કહ્યું કે સમગ્ર દેશમાં બોગસ વોટિંગને રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માત્ર એક જ મતદાર યાદી લાવવાનો વિચાર છે. તેમણે કહ્યું, 'અમે આ અંગે ચૂંટણી પંચ સાથે વાત કરી છે. તાજેતરમાં, મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તે સ્વૈચ્છિક છે, હાલમાં ફરજિયાત નથી, પરંતુ તે બોગસ મતદાનને રોકવામાં સફળ થવાની સંભાવના ધરાવે છે.
સરકારની વિચારણા
રિજિજુએ કહ્યું, 'ભવિષ્યમાં પણ ચૂંટણી સુધારણા માટે જરૂરી પગલાં ભરશે. 'વન નેશન, વન વોટર લિસ્ટ' હોવી જોઈએ, આવી સરકારની વિચારસરણી છે. દેશમાં સ્વચ્છ મતદાન પ્રણાલી હોવી જોઈએ.' એનઆરઆઈને મતાધિકાર આપવા અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે, આ એક સકારાત્મક સૂચન છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે ચૂંટણી પંચ સાથે વાત કરી છે. રિજિજુએ કહ્યું, "અમે ઓનલાઈન વોટિંગ સિસ્ટમને કેવી રીતે પ્રોત્સાહિત કરવી તે અંગે વિચારણા કરી રહ્યા છીએ, પરંતુ કોઈપણ જાહેરાત કરતા પહેલા તેની પારદર્શિતા, સુરક્ષા અને કોઈપણ પ્રકારની ગરબડની સંભાવનાને ધ્યાનમાં રાખવી પડશે."
મનીષ તિવારીએ દેશમાં ઓછા મતદાન અંગે વ્યક્ત કરી ચિંતા
દેશમાં ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના મનીષ તિવારીએ મતદાનની ટકાવારી વધારવાના મુદ્દે ગૃહમાં વિશેષ ચર્ચાનું સૂચન કરતા મંત્રીને પૂછ્યું કે 'EVM બની ગયા પછી તેનો સોર્સ કોડ ચૂંટણી પંચ પાસે રહે છે અથવા ઈવીએમ મશીન ઉત્પાદકની નજીક છે?'
'વિદેશથી લોકો અહીં ચૂંટણી પ્રક્રિયા જોવા અને જાણવા માટે આવે છે'
આના જવાબમાં રિજિજુએ એટલું જ કહ્યું કે, જે રીતે ન્યાયાધીશોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ નિમણૂક પછી તેઓ સ્વતંત્ર થઈ જાય છે, એ જ રીતે ઈવીએમ બનાવ્યા પછી તેમનું નિયંત્રણ ચૂંટણી પંચ પાસે રહે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઈવીએમ પર કોઈ પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં. રિજિજુએ કહ્યું કે માત્ર ચૂંટણી પંચ જ નહીં, દરેકનો પ્રયાસ છે કે દેશમાં મતદાનની ટકાવારી મહત્તમ થાય. તેમણે કહ્યું કે વિદેશથી લોકો અહીં ચૂંટણી પ્રક્રિયાને જોવા અને જાણવા માટે આવે છે.