મા કાર્ડને લઈને મોટી જાહેરાત :- મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ કાર્ડ આપવામાં આવશે. આ પહેલા પરિવાર દિઠ એક કાર્ડ આપવામાં આવતું. પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદિઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડશે. આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે આ માહિતી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જણાવી હતી. હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલમાં, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલો માંથી કઢાવી શકશે. મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ ત્રણ વર્ષ સુધી ચાલે છે. ત્રણ વર્ષ પછી આ કાર્ડને રીન્યુ કરવાનું હોય છે.
રથયાત્રા 2021 :- કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારી વચ્ચે કેટલાય પરિવારો વેર વિખેર થઈ ગયા. ભારતીય તહેવારો પણ ભૂલી ગયા હતા. શ્રાવણ મહિનો આવતા ગુજરાત સહિત આખા દેશમાં તહેવારો ની સીઝન શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદમાં થતી રથયાત્રા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. આ વર્ષે પણ રથયાત્રાની સામાન્ય ઉજવણી કરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જગન્નાથનાં મંદિરમાં જળયાત્રા, નેત્રોત્સવ, સોનાવેશ, ધ્વજારોહણ જેવી તમામ પરંપરા નુ પાલન કરવામાં આવશે. પરંતુ સમગ્ર આયોજન સાદાઈ થી થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આગામી 24મી જૂને જળયાત્રા યોજવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં રથયાત્રા નુ આયોજન કરવામાં આવશે કે નહીં તે મૂદ્દે આગામી બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે.
માસ પ્રમોશન :- મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યો હતો. રાજ્યનાં ITI નાં વિદ્યાર્થીઓને આ વર્ષ પુરતું માસ પ્રમોશન આપવામાં આવશે. અને રાજ્યમાં નર્સિંગનાં અભ્યાસક્રમમાં ફાઈનલ યરની પરીક્ષા લેવાશે તે સિવાયના વર્ષમાં નર્સિંગ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. કોર કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષનુ પહેલું સૂર્યગ્રહણ :- વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે છે. અમાસના દિવસે જ્યારે ચંદ્રમા, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સ્થિતિને સૂર્યગ્રહણ કહે છે. આજે બપોરે ગ્રહણ 1 : 42 મિનિટ પર લાગશે. અને 6 : 41 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ નોર્થ અમેરિકા, યુરોપ, નોર્થ કેનેડા અને રશિયામાં આંશિક રૂપથી દેખાશે. આ ગ્રહણ નો ભારતમાં કોઈ પ્રભાવ જોવા મળશે નહિ. તેથી ધાર્મિક કાર્યો થશે. આ વખતે પૂર્ણ સૂર્યગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ દરમિયાન રીંગ ઓફ ફાયર નજરે પડશે. જ્યોતિષ અનુસાર આ ગ્રહણ ની અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે. આ સૂર્ય ગ્રહણની અસર વૃશ્ચિક રાશિ પર પડશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહિ. હવે પછીના અંતમાં 19 નવેમ્બર તથા 4 ડિસેમ્બર દરમિયાન થનારું સૂર્યગ્રહણ પણ ભારતમાં નહિ દેખાય.
ગુજરાત ધીમે ધીમે અનલૉક :- કોરોના મહામારીનો અંત આવતો જાય છે ત્યારે ગઇકાલે વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કોરોના કેસ ઘટતા વધુ છૂટછાટ આપવા સંદર્ભે જાહેરાત કરવામાં આવી હતી. કરફ્યુને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 11 જૂન પછી નિયંત્રણો માં રાહત આપવામાં આવશે. જેમાં હોટેલ રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ પણ મળશે. 50% ની સંખ્યામાં લોકો હોટેલ માં બેસીને જમી શકશે. બીજો નિર્ણય પણ લેવાયો હતો જેમાં 11 જૂનથી સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. હોમ ડીલિવરી રાતે 12 વાગ્યા સુધી થઈ શકશે. રાત્રિ કરફ્યુ નો અમલ 11 જૂનથી 26 જૂન સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. તમામ ગ્લલાઓ, માર્કેટ યાર્ડ, બ્યુટી પાર્લર વગેરે વ્યાપારિક ગતિવિધિ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલ જે સમય છે તેમાં 1 કલાકનો વધારો કરવામાં આવશે. લાઈબ્રેરી માં બેઠક ક્ષમતા 50% સાથે અને ગાર્ડન સવારે 6 થી સાંજના 7 સુધી ચાલુ રહેશે. વગેરે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.
ચોમાસુ આસપાસ :- હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસા નુ આગમન થઇ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલ થી મોડી રાતે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રાજ્યનુ ચેરાપુંજી ગણાતું એવા કપરાડા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બીજી બાજુ વરસાદના આગમનને કારણે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. દક્ષિણ ગુજરાતનાં કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી મધ્યપ્રદેશ, ગોવા, દક્ષિણ ગુજરાત, તેલંગાણા તમિલનાડુ અને કેરળમાં 11 થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કપાસનો રેકોર્ડબ્રેક ભાવ :- રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી થતાં તમામ માર્કેટ યાર્ડ ધમધમતા થયા છે. જીનિંગ મિલો પણ શરૂ થવા લાગી છે. કોટનની માંગ વધતા આજે રાજકોટના માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1560 નો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. માર્કેટ યાર્ડ ખુલતા કપાસની લેવાલી રોજબરોજ કરવામાં આવી રહી છે. યાર્ડમાં ખેડૂતોનાં કપાસનો ભાવ થોડા દિવસો પહેલા 1550 બોલાયો હતો. ત્યારે આજે કપાસનો ભાવ ઓલ ટાઈમ હાઇ બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ગઇકાલે કપાસની 1100 ક્વિન્ટલ ની આવક થઈ હતી. જેનો ભાવ 1390 થી 1560 નો બોલાયો હતો. રાજકોટ નાં માર્કેટ યાર્ડમાં વેપારીઓનાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આવેલી તમામ મિલો ખુલી ગઈ છે. જેના લીધે કપાસની માંગમાં વધારો થયો છે. ચાઇના સહિતના અન્ય દેશો ભારત પાસેથી કપાસની ખરીદી કરી રહ્યું છે. વિવિધ મિલો શરૂ થતા 12 વર્ષ બાદ ખેડૂતોને કપાસનો ભાવ 1600 થી 1700 નો મળ્યો હતો. હવે વિદેશોમાં પણ તમામ ઉદ્યોગો ખુલી ગયા છે. જેના લીધે કપાસની માંગ વિદેશોમાં પણ વધી છે.
વેધર અપડેટ :- ગઇકાલે બપોર સુધી ચાલુ રહેતા ચોમાસના પહેલા વરસાદમાં જ મુંબઇ પાણી પાણી થઈ ગયું હતું, મુંબઈના અનેક વિસ્તારો જળ બંબાકાર થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે હવામાન ખાતાએ આજે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુધી પહોંચી ગયાની જાહેરાત પણ કરી દીધી હતી જેથી હવે ગુજરાતમાં ચોમાસાની આધિકારીક એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી રહયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને ગુજરાતના કાંઠે વાદળોનો જમાવડો જોતા તેમાં હજી વધારો થાય અને આગામી દિવસોમાં ચોમાસુ વધુ આગળ વધે તેવી ઉજળી શક્યતાઓ જોવાઇ રહી છે. મુંબઈમાં ચોમાસાના પૂર્વે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મુંબઈના અનેક વિસ્તારો વરસાદ પડવાથી પાણી ભરાયા હતા. ખાસ કરીને બાંદ્રા, ચેમ્બુર, અંધેરી, ગોરેગાંવ, મલાડ માં ગઈ સવારે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
બજાર હલચલ :-ભારતમાં ઘરેણાં માટે અલગ અલગ બજેટ ફાળવવામાં આવે છે. જેના કારણે દરેક વ્યક્તિને સોનાં ચાંદીના વધતા ભાવથી ફરક પડે છે. અમદાવાદમાં ગઇકાલે સોનાનો ભાવ 50,600 એ પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 73,000 એ પહોંચી ગયો હતો. ભારતના મોટા શહેરોમાં સોનાં અને ચાંદીની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો જોવા મળ્યા બાદ ગઈકાલે થોડી તેજી જોવા મળી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સોનું 190 રૂપિયાની તેજી સાથે 48,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું હતું. થોડા દિવસો પહેલા અમેરિકન ડોલરની સામે રૂપિયો નવ પૈસા નબળો પડીને 72.80 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.
ખેડૂતોને ગીફ્ટ :- મોદી સરકારે ફરી એકવાર ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ખેડૂતો ને રાહત મળી છે. તેનો નિર્ણય બૂધવારે કેબિનેટ ની બેઠકમાં લેવાયો હતો. આ માહિતી આપતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ડાંગર પરના MSP માં 72 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી જે ડાંગર 1868 પ્રતિ ક્વિન્ટલ થી 1940 પ્રતિ ક્વિન્ટલ થયું છે. આ સાથે બાજરા પરનો MSP 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થી વધારીને 2280 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં ખેડૂતની તરફેણમાં મોટા નિર્ણયો લેવાયા છે. જેથી ખેડૂતો ની આવક વધે અને તેમને ખુશી મળે. નરેન્દ્રસિંહ તોમરે વધુમાં કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં એક પછી એક ખેડૂત ક્ષેત્રે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝન 2020 - 21થી LMT ની તુલનામાં MSP ખાતે 13113.11 LMT કરતા વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. જેથી KMS માટે 120 લાખ જાહેર કરવામાં આવ્યા હતા. અને વધુ ખેડુતને લાભ થયો છે.