ગુજરાતમાં મેઘરાજાએ થોડા સમય માટે ખમૈયા કર્યા છે. ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે વરાપ મળી જતા પાકને નવજીવન મળ્યું છે. જો કે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની ફરી એક ઇનિંગની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 22 તારીખ સુધી રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 7 દિવસ બેટિંગ
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ છેલ્લા એક અઠવાડીયાથી રાહત જોવા મળી રહી છે. ત્યારે મેઘરાજા ફરી એકવાર તોફાની દાવ રમે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગામી 7 દિવસ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે.
મઘ્યમથી ભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આજે ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ તોફાની વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અગાઉ પરિસ્થિતિ ઘણી વણસી હતી.
ઉત્તર ગુજરાત પર સંકટના વાદળો
હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આ જિલ્લાનાં તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે.
19-22 તારીખ સુધી ભારે વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં 19 તારીખથી 22 તારીખ સુધીમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહીનાં પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદ ફૂંકાવા અંગેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સિઝન કરતા વધારે વરસાદ વરસ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં પડેલા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 388.6 mm વરસાદ નોંધાઇ ચુક્યો છે. સામાન્ય રીતે 255.7 mm વરસાદ હોવો જોઈએ જે સામાન્ય કરતા પણ વધારે હોય છે. જેથી સરેરાશ કરતા વધારે વરસાદ નોંધાઇ ચુક્યો છે