હાલ ડુંગળીની બજાર બંધ બાજીની રમત જેવી સ્થિતિ છે. હાલ ગુજરાતના કોઈ પણ યાર્ડમાં હરાજી થતી નથી. મહુવા યાર્ડમાં વેપારો થાય છે, પરંતુ ખુલ્લી હરાજી નથી થાતી. વેપારીઓ ભાવ નક્કી કરે છે અને કમીશન એજન્ટ ખેડૂતોને ફોન કરીને ભાવ નક્કી કરેલા ભાવ કહે છે, પરિણામે બજારો વધવી જોઈએ એટલી વધતી નથી. પરંતુ હાલ કોરોના કાળમાં યાર્ડમાં વેપારો ચાલુ હોવાથી ખેડૂતોને સરેરાશ ફાયદો થયો છે અને ડુંગળીના ખેડુતો નીચા ભાવથી બચી ગયાં છે. ડુંગળીની બજારમાં રેગ્યુલર હરાજી શરૂ થાય તો ડુંગળીની બજારો થોડી સુધરે તેવી ધારણા છે. લાલ ડુંગળીના ભાવ રૂ. ૨૦૦ થી ૨૫૦ પ્રતિ ૨૦ કિલો સુધી પહોંચી શકે છે.
મહુવામાં તા. ૧૧/૦૫/૨૦૨૧ ને મંગળવારની વાત કરીએ તો લાલ ડુંગળીની ૨૬૮૮૮ ગુણીની આવક સામે કમિશન એજન્ટ દ્વારા ભાવ રૂ. ૧૦૦ થી ૨૨૫ સુધીના નક્કી કરવામાં આવ્યા હતા તેમજ સફેદ ડુંગળીની વાત કરીએ તો ૯૭૦૩૮ ગુણીની આવક સામે ભાવ રૂ. ૯૦ થી ૧૯૫ સુધીના નક્કી કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન મહુવા માર્કેટ યાર્ડ સાથે માત્ર ગોંડલના માર્કેટ યાર્ડમાં જ ડુંગળી આવક લેવામાં આવી રહી છે. ગોંડલમાં ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીના ૫૩૮૦ કટ્ટા સામે ભાવ રૂ. ૪૧ થી ૧૭૧ સુધીના નક્કી કરવામાં આવ્યા હતા.
આગળ જતા કોરોના સંકટ હળવું થશે તો બજારો વધશે. હાલ હોટલ- રેસ્ટોરેન્ટ સેકટરની માંગ ઓછી છે, જે હજી આ આખો માહિનો આવું જ રહેવાનું છે. જૂન મહિનાથી ડુંગળીની બજારમાં સુધારો આવવાની ધારણાં છે. ડુંગળીમાં નિકાસ વેપારો પણ હાલ ધીમા પડ્યાં છે, પરંતુ તેમાં વધારો થવાની ધારણાં છે. નાશીકમાં ખેડૂતોની વેચવાલી હાલ ધીમી છે, પરંતુ ત્યાં લોકડાઉન ખુલ્યા બાદ વેચવાલી અને લેવાલી બંને વધશે તો બજારને ટેકો મળી શકે છે. હાલ નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી પણ ચાલુ છે, પંરતુ નાફેડ બહુ નીચા ભાવથી ખરીદી કરી રહ્યાં હોવાથી ખેડૂતો બહુ મોટો માલ નીચા ભાવે સરકારને આપતા માંગતી નથી.
આ વખતની રવી સિઝનમાં બરોબરની ડુંગળી પીટાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે સૂનો સૂનો કિસાન ભાઇઓ, દેશમાં ચોમાસામાં ડુંગળીનું જે વાવેતર થાય છે, એમાં 9900 હેકટરનો વધારો કરવાનો ટાર્ગેટ કરે છે. કર્ણાટક , આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના કાયમના વાવેતરમાં કંઇ આઘા-પાછુ થવાનું નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા 5 રાજ્યોમાં ડુંગળીનું વાવેતર ઓછું થાય છે, એટલે કે કેંદ્ર સરકાર ખેડુતોને હાથે કરી પોતાના પગ પર કુહાડો મારવાનું કહે છે.
કેન્દ્ર સરકારને વધુ વરસાદ જેવી કુદરતી આપત્તિમાં ખરીફ ડુંગળીનો પુરવઠો ખોરવાઇ જાય, તે પોષાતું નથી. ખેડૂતને ડુંગળીના જે ભાવ મળે, એનો સરકારને કોઈ મતલબ નથી. સરકારને પુરવઠામાં ખાંચો પડે અને ખાનારવર્ગ હાપો કરે એ જરાય પાલવે એમ નથી. કદાચને ખેડૂતને એકાદ સિઝનમાં પ્રતિમણ ડુંગળીના ભાવ રૂ. 500 થી રૂ. 1000 મળતા હોય, ત્યારે એ ખેડૂતને કોઇએ પુછ્યું છે કે ભાઇ તારે આમાં વીઘા વરાળે કેટલા મણ ડુંગળી પાકી? એકમ વિસ્તારમાંથી ડુંગળીનું ઉત્પાદન ઘટે અને ભાવ વધે એ કાયમનો નિયમ છે. ખેડૂતને એક સિઝનમાં ડુંગળીના ભાવ મળે છે, ત્યારે બીજી સિઝનમાં આગલા કમાયેલા રૂપિયા તણાઈ જાય છે. સરકાર જો સારી પડતરે ડુંગળીની ખરીદી કરવાની ગેરંટી આપતી હોય તો જ ડુંગળી વાવેતર 9900 હેકટર વધારવાનો ટાર્ગેટ લેખે લાગી શકે છે.