Top Stories
RBIનું આ પગલું વધારી શકે છે હોમ લોનની EMI, જાણો છો કેમ?

RBIનું આ પગલું વધારી શકે છે હોમ લોનની EMI, જાણો છો કેમ?

જો તમે પણ કોઈપણ પ્રકારની લોન લીધી હોય, તો આગામી મહિનામાં તમારી EMI વધી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આગામી બે નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં વધારો કરી શકે છે. મધ્યસ્થ બેન્ક જૂનમાં 25 બેસિસ પોઈન્ટ્સ અને ઓગસ્ટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે.

મોંઘવારી ઘટાડવાનો પ્રયાસ 
આમ કરવા પાછળ રિઝર્વ બેંક મોંઘવારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. રેપો રેટ વધારવાની સીધી અસર બેંક તરફથી લોનના વ્યાજ દરો પર પડશે. તેનાથી તમારી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરેની EMI વધશે. બેંકોના વ્યાજ દરમાં પણ 50 પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે છે.

સપ્ટેમ્બર સુધીમાં 7 ટકાથી ઉપર જવાની શક્યતા 
એસબીઆઈના ચીફ ઈકોનોમિસ્ટ સૌમ્યકાંતિ ઘોષે આગામી મહિનાઓમાં ફુગાવાના આંકડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે માર્ચમાં છૂટક ફુગાવાનો દર 6.95 ટકા રહ્યા બાદ સપ્ટેમ્બર સુધીમાં તે 7 ટકાથી ઉપર જવાની શક્યતા છે.

હાલ 4 ટકા પર છે રેપો રેટ
હાલમાં રેપો રેટ 4 ટકા પર યથાવત છે. તમને જણાવી દઈએ કે બેંકો જે દરે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. સૌમ્યકાંતિ ઘોષે આશા વ્યક્ત કરી હતી કે એપ્રિલ, 2022 થી માર્ચ, 2023 દરમિયાન ફુગાવાનો દર 6.5% રહી શકે છે. સરકારી સિક્યોરિટીઝનું 10 વર્ષનું વ્યાજ હાલમાં 7.24 ટકા છે, જે સપ્ટેમ્બર સુધીમાં વધીને 7.75 ટકા થઈ શકે છે.