બે દિવસ બાદ ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે. ઓગસ્ટ મહિનો પૂરો થશે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. સપ્ટેમ્બર શરૂ થતાંની સાથે જ સરકાર ઘણા ફેરફાર અમલમાં મૂકશે. સપ્ટેમ્બર મહિનામાં ઘણા નિયમો બદલાતા જોવા મળશે, જેની અસર સામાન્ય લોકોના કામ પર થશે. આધાર કાર્ડનું પાન કાર્ડ સાથે લિંકિંગ હોય કે એલપીજી સિલિન્ડરની વધતી કિંમતો, અન્ય ઘણા ફેરફારો છે જે સામાન્ય લોકોને અસર કરશે. આ ફેરફારો થાય તે પહેલાં તમારે જાણી લેવા ખુબજ જરૂરી છે.
કાર ઈનયોરન્સ નિયમમાં ફેરફાર :- એક મહત્વના આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ નવું વાહન વેચાય ત્યારે તેનો બમ્પર-ટુ-બમ્પર વીમો ફરજિયાત હોવો જોઈએ. આ વીમો 5 વર્ષના સમયગાળા માટે વાહન ચાલક, મુસાફર અને માલિકના વીમાને આવરી લેશે.
ઓટીટી પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન ખરીદવું મોંઘુ બનશે :- ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન 1 સપ્ટેમ્બર, 2021 થી મોંઘુ થઈ જશે. આ પછી, યુઝર્સે બેઝ પ્લાન માટે 399 રૂપિયાને બદલે 499 રૂપિયા ચૂકવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, યુઝર્સે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ સિવાય યૂઝર્સ 899 રૂપિયામાં બે ફોનમાં એપ ચલાવી શકશે. ઉપરાંત, આ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં HD ક્વોલિટી ઉપલબ્ધ છે. આ સિવાય તમે આ એપને 4 સ્ક્રીન પર 1,499 રૂપિયામાં ચલાવી શકશો.
આવી એપ્સ બંધ કરવામાં આવશે :- ગૂગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બર 2021 થી લાગુ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી નકલી કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મુકવામાં આવશે. ગૂગલે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી એપ બ્લોક કરવામાં આવશે.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવું :- PAN CARD ને આધાર નંબર સાથે લિંક કરવા માટે આવનાર મહિનો ખૂબ જ ખાસ રહેશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે આ કામની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. દરેક ગ્રાહકે આવતા મહિનામાં કોઈપણ સમયે આધાર ને PAN સાથે લિંક કરવાનું રહેશે અને આ કામ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરું કરવાનું રહેશે. 30 સપ્ટેમ્બર સુધી રાહ જોવાનો કોઈ અર્થ નથી. જો PAN અને આધાર લિંક નહીં થાય તો બેન્કોમાંથી મળતી તમામ સુવિધાઓ બંધ થઈ જશે.
LPG ગેસ સિલિન્ડર ના ભાવ :- LPG ગેસ સિલિન્ડરના ભાવ પણ સપ્ટેમ્બર મહિનામાં બદલાશે. જો ગયા મહિનાના ભાવ પર નજર કરીએ તો એલપીજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે અને વધવાની સંભાવના વધારે છે. જુલાઈ મહિનાથી દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં પણ ભાવ વધી શકે છે. રાંધણ ગેસ LPG ની કિંમતમાં 18 ઓગસ્ટના રોજ પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.ઓઇલ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશન અનુસાર, સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત હવે 14.2 કિલોના સિલિન્ડર દીઠ 859 રૂપિયા છે. અગાઉ 1 જુલાઈના રોજ ભાવમાં 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો.
આધાર પીએફ લિંકીંગ :- જે રીતે આધાર અને PAN ને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે, તેવી જ રીતે PF એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજીયાત થઈ જશે. જો પીએફના UAN નંબર અને આધાર કાર્ડ નંબર જોડાયેલ નથી, તો તમારી કંપની તમારા પીએફ ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. આ નિયમનો અમલ કરવા માટે, EPFO એ હાલમાં જ સામાજિક સુરક્ષા સંહિતાની કલમ 142 બદલી છે.
GSTR-1 ફાઈલિંગ ગાઈડલાઈન્સ :- આ નિયમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક સાથે સંબંધિત છે. GSTN એ કહ્યું છે કે GSTR-1 ફાઇલ કરવા માટે સેન્ટ્રલ GST નિયમો હેઠળ નિયમ 59 (6) સપ્ટેમ્બરની શરૂઆતથી અમલમાં મુકશે. આ નિયમ મુજબ, GST માં નોંધાયેલ કોઈપણ વ્યક્તિ કે જેણે GSTR-3B ફોર્મ ભર્યું નથી, તો તે ફોર્મ GSTR-1 ભરી શકશે નહીં. આ નવા નિયમની અસર GST ફાઇલ કરનારા લોકો પર જોવા મળશે જેમણે GSTR-3B હેઠળ રિટર્ન ફાઇલ કર્યું નથી.
ચેક ક્લિયરન્સ :- રીઝર્વ બેંકે ગયા વર્ષે ચેક ક્લિયરન્સ સિસ્ટમ અંગે નવો નિયમ બનાવ્યો હતો. જેને પોઝિટિવ પે સિસ્ટમ નામ આપવામાં આવ્યું હતું. આમાં, બેંકોને ચેક આપનાર વ્યક્તિ અથવા સંસ્થાનુ વેરીફીકેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. છેતરપિંડી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક રૂ .50,000 કે તેથી વધુ અથવા રૂ. 5 લાખ કે તેથી વધુનો ચેક બેંકમાં નાખશે, તો પ્રથમ માહિતી બેંકને આપવી પડશે. માહિતી ન આપે તો ચેક ક્લિયર થશે નહિ. દેશની ઘણી બેંકોએ આ નવો નિયમ અપનાવ્યો છે. આમાં, નવું નામ એક્સિસ બેન્કનુ છે, જે 1 સપ્ટેમ્બર 2021 થી પોઝીટીવ પે સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. એક્સિસ બેંક તેના ગ્રાહકોને આ અંગે અગાઉથી જાણ કરી રહી છે.