ગુજરાત બજેટ: નાણામંત્રી કનુભાઈ દેસાઇએ ગઈકાલે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, વેરાવળ અને જામખંભાળિયામાં મેડિકલ કોલેજ બનશે. જ્યારે સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. આ નવા બજેટમાં કોઈ નવા કરવેરા લાગુ કરવામાં આવ્યા નથી.
બજેટ: ખેડૂતો માટે જોગવાઈ: નર્મદા યોજના માટે 26,090 કરોડની જોગવાઈ, કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ, ગૌમાતા યોજના માટે 500 કરોડ, બાગાયત માટે 360 કરોડ, સાગર ખેડૂતો માટે 230 કરોડ, બંદરોના વિકાસ માટે 201 કરોડ, બાગાયત ખાતાની યોજના માટે 369 કરોડ, પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ, મધક્રાંતિને વેગ આપવા 10 કરોડ, કમલમ ડ્રેગન ફુટ માટે 10 કરોડ જાહેર કર્યા છે.
બજેટની મુખ્ય જાહેરાતો:
- 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને 1000 રૂપિયાનું પેન્શન.
- જસદણ લિંબાયત પાલીતાણા બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.
- 4 હજાર ગામોને ફ્રી વાઇ-ફાઇની સુવિધા અપાશે.
- સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ, નવસારીના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરાશે.
- મોરબીમાં 400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થપાશે.
ખાદ્યતેલના ભાવમાં ભડાકો: મધ્યમ વર્ગની પરેશાની ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોરોનાની મુશ્કેલીમાંથી લોકો હજી બહાર નથી આવ્યા. ત્યાં હવે ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવ વધારા બાદ સીંગતેલનો ડબ્બો 2450 રૂપિયા થઈ ગયો છે. કપાસિયા તેલમાં પણ 40 ટકા જેટલો વધારો થયો છે. આમ હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સમાન થઈ ગયા છે.
બિન સચિવાલય પરીક્ષા તારીખ જાહેર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે 24 એપ્રિલે આ પરીક્ષા લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળે જ આ અંગે જાહેરાત કરી છે. અગાઉ 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાનું આયોજન હતું. પરંતુ તે વહીવટી કારણોસર મોકૂફ થઈ હતી. જોકે હવે આ પરીક્ષા 24 એપ્રિલના રોજ યોજાશે.
રેલવેનો મોટો નિર્ણય: ભારતીય રેલવેની પેટાકંપની IRCTCએ ટ્રેનના યાત્રીઓ માટે નવી સેવા શરૂ કરી છે. મુસાફરો ઓટોમેટીક ટિકિટ વેલ્ડીંગ મશીન દ્વારા ટિકિટ ખરીદી શકશે. તમે અનરિઝવ્ડૅ ટ્રાવેલ્સ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશો. તમારી સીઝનલ ટીકીટ રિન્યુ કરી શકશો અને તમારા સ્માર્ટ કાર્ડ પણ રિચાર્જ કરી શકશો. રેલ કેશલેસને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે પ્રથમ વખત UPIનો વિકલ્પ પ્રદાન કરી રહી છે.
વાહનને લઈને નવો નિયમ: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન ચાલકો માટે એક નવો નિયમ જારી કર્યો છે. નવા નિયમ અનુસાર, હવેથી દરેક વ્યક્તિએ પોલીસને દરેક એક્સિડન્ટની માહિતી આપવી પડશે, જો કોઈ વ્યક્તિના વાહનને નુકશાન થયું હોય અથવા તો સંપત્તિને કોઈ નુકશાન થયું અથવા તો માર્ગ અકસ્માતને કારણે ઈજા થઈ હોય તો તેની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે. પીડિતોને 120 દિવસની અંદર વળતર આપવાનો નિયમ છે. આ નવો નિયમ 1 એપ્રિલથી લાગુ પડશે. મંત્રાલયના આ નિર્ણયથી પીડિત પરિવારોને ફાયદો થશે.