ડુંગળીમાં ભાવમાં મણનાં રૂ. ૬૦૦ની સપાટી આસપાસ અથડાય રહ્યા છે. ડુંગળીનાં ભાવ મણનાં રૂ. ૧૦૦૦ સુધી પહોંચશે તેવો પ્રચાર અનેક તેજીવાળા કરતાં હતાં, પંરતુ દિવાળી નજીક આવી ગઈ હોવા છત્તા હજી ભાવ આવ્યાં નથી. નવી ડુંગળીને હવે એક-બે મહિનાની વાર છે. સાઉથ અને મધ્યપ્રદેશની નવી ડુંગળી પણ આવવા લાગશે. આગામી દિવસોમાં ડુંગળીમાં કોઈ અસાધારણ માંગ નીકળે તો જ ભાવ હવે વધે તેવું લાગે છે. જો ભાવ વધશે તો પણ તે ટૂંકાગાળા માટે જ ઊંચા રહે તેવી સંભાવના છે.
ખેડૂતોને જો સારા ભાવ મળતા હોય તો ડુંગળીમાંથી નીકળી જવાની સલાહ છે. ડુંગળીનાં ભાવ ઊંચા આવે પરંતુ એવું પણ બને કે તેનો લાભ ખેડૂતોને ન પણ મળે, પરિણામે જો ખેડૂતોને બે પૈસા મળતા હોય તો સારા ભાવ મળે ત્યારે થોડો-થોડો માલ બજારમાં ઠલવતા રહેવું જોઈએ.
ડ઼ુંગળીમાં તેજી થવાનાં કારણો અનેક છે, પરંતુ સરકારની દખલગિરી વધારે પડતી છે. સરકાર વચેટિયા ઉપર ભાવ નિયંત્રણ કરવાને પગલે ખેડૂતોને ભાવ નીચા કેમ મળે એ દિશામાં કાર્ય કરી રહી છે. સરકારે હોલસેલ અને રિટેલનાં ભાવ વચ્ચેનો ફરક જે બહુ મોટો છે તેને ઘટાડવો જોઈએ. જો આવું થાય તો ખેડૂતોને પણ સારા ભાવ મળે અને ગ્રાહકોને પણ પોષણક્ષમ ભાવથી ડુંગળી મળી શકે છે. સરકાર દ્વારા જો વધુ ભાવ વધશે તો નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે, પંરતુ તેનાંથી સેન્ટીમેન્ટલી અસર વધારે થાય છે. ડુંગળીમાં નિકાસ વેપારો હાલ ખાસ થતા જ નથી.
ડુંગળીની તેજી-મંદી માટે આગામી ડિસેમ્બર મહિના સુધીનું વાતાવરણ પણ ખૂબ જ અગત્યનું છે, જ્યારે નવી ડુંગળીની આવકો શરૂ થશે ત્યારે જ બજારમાં ઘટાડો આવશે. ડુંગળીની બજારમાં આગામી દિવસો માટે ભારે અનિશ્ચિતતા છે. જો વાતાવરણ ખરાબ રહેશે તો ડુંગળીનાં પાકમાં નુકસાન વધશે અને જો સાનુકૂળ વાતાવરણ રહ્યું તો નવો પાક બમ્પર આવે તેવી ધારણાં છે. પરંતુ સરેરાશ હવે ડુંગળીનાં ભાવ દિવાળી સુધી સ્ટેબલ રહે તેવી ધારણાં છે તેમ દિલ્હીનાં આઝાદપુર મંડીનાં ડુંગળીનાં વેપારી એચ.એસ. ભલ્લાએ જણાવ્યું હતું.
ડુંગળીનાં ભાવ હાલ મણનાં નીચામાં રૂ. ૨૦૦થી ૩૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ. ૩૦૦થી ૬૦૦ સુધીનાં બોલાય રહ્યાં છે. નાશીકમાં સારી ક્વોલિટીમાં રૂ. ૮૦૦ પ્રતિ મણનાં ભાવ છે પરંતુ એવો માલ બહુ ઓછો જોવા મળી રહ્યો છે.
કાલના (તા. 25/10/2021, સોમવારના) લાલ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 170 | 600 |
મહુવા | 180 | 578 |
ગોંડલ | 101 | 506 |
જેતપુર | 101 | 471 |
જસદણ | 100 | 101 |
અમરેલી | 250 | 550 |
મોરબી | 200 | 600 |
અમદાવાદ | 200 | 440 |
દાહોદ | 340 | 700 |